“સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં પુસ્તક દાન-અભિયાનનો શુભારંભ”
મહુવા તાલુકાની કાછલ કોલેજમાં ‘બુક ડોનેશન ડ્રાઈવ’ની શરૂઆત કરવામાં આવી. સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તથા સરકારી શિક્ષણ મહાવિદ્યાલયના પ્રાંગણમાં NAAC વિભાગ અંતર્ગત ‘બુક ડોનેશન ડ્રાઈવ’ની શરૂઆત આચાર્યશ્રી ડો. હેતલ એસ. ટંડેલ મેડમ નાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં નેક કોર્ડિનેટર ગુંજન શાહ સાહેબે જણાવ્યું કે આ પુસ્તક દાન અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ પુસ્તકને પસ્તી બનાવતાં અટકાવી શકે છે, કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગયા વર્ષના અભ્યાસ ક્રમના પુસ્તકો, જરૂરી મટીરિયલ, પેમ્પ્લેટ વગેરે સાહિત્ય આ અભિયાનમાં દાન કરી શકે છે. ત્યારબાદ IQAC કોર્ડિનેટર પ્રા.ઉર્વિક બી. પટેલ સાહેબે અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આ કાર્યમાં વધુને વધુ જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. ગ્રંથપાલ અલ્કાબેન મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે આપ સૌ સોફ્ટકોપીમાં જરૂરી સાહિત્ય અને પુસ્તકની પીડીએફ પણ જમા કરાવી શકો છો જેથી ઈ લાઈબ્રેરી વધુ ને વધુ સમૃદ્ધ થઈ શકે અને વિદ્યાર્થીઓ તેનો લાભ પણ લઈ શકે. પ્રસંગને અનુરૂપ સરકારી શિક્ષણ મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ.રોહિત સરે રસપ્રદ રીતે દાનનો મહિમા સમજાવ્યો અને આ અભિયાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ. હેતલ એસ.ટંડેલ (GES-CLASS-1) મેડમે અધ્યક્ષીય ઉદ્દબોધન રજૂ કરતાં જણાવ્યું કે ‘મહાન વ્યક્તિઓની સફળતા પાછળ પુસ્તકોનો બહોળો ફાળો રહેલો હોય છે. આથી દરેક વિદ્યાર્થી અને અધ્યાપક આ પુસ્તક દાન અભિયાનમાં જોડાય અને વધુ ને વધુ પુસ્તકો દાન માં પ્રાપ્ત થાય તથા દાનમાં મળેલ પુસ્તકોનો પણ વધુ ને વધુ ઉપયોગ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.’ ત્યારબાદ ‘બુક ડોનેશન ડ્રાઈવ’ ખુલ્લો મૂકવામાં આવ્યો અને કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ તથા વિદ્યાર્થીઓએ પુસ્તક દાનમાં આપ્યાં અને આચાર્યશ્રી દ્વારા તેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં. એક જ દિવસમાં કુલ 101 જેટલાં પુસ્તકો કોલેજને દાન સ્વરૂપે મળ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીની અધ્યક્ષતામાં તથા નેક કોર્ડિનેટર ડૉ.ગુંજન શાહ અને પ્રા.વિશાખા મોદીના સુચારું સંચાલન દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો






