હવામાન વિભાગનું એલર્ટ: આગામી ૨ દિવસ ડુમ્મસ બીચ પ્રવાસીઓ માટે બંધ, દરિયામાં ન જવા તંત્રની એડવાઇઝરી

SHARE:

હવામાન વિભાગનું એલર્ટ: આગામી ૨ દિવસ ડુમ્મસ બીચ પ્રવાસીઓ માટે બંધ, દરિયામાં ન જવા તંત્રની એડવાઇઝરી

હવામાન વિભાગની આગાહીના પગલે આગામી ૨ દિવસ ડુમ્મસ બીચ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ: નાગરિકો, પ્રવાસીઓ અને માછીમારોને દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ
હવામાન વિભાગની આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી અને દરિયાની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૨ દિવસ ડુમ્મસ બીચ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સંદર્ભે સહાયક મત્સ્યોદ્યોગ નિયામક શ્રી પી. એચ. કોટડિયા તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ નાગરિકો, પ્રવાસીઓ અને માછીમારોને આગામી ૨ દિવસ દરમિયાન સુરતના પ્રખ્યાત ડુમ્મસ બીચ પર ન જવા માટે કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
શ્રી કોટડિયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા મોજાં ઉછળવાની અને ખરાબ હવામાન રહેવાની શક્યતાઓ છે. આ સ્થિતિમાં સેર-સપાટા કે પ્રવાસ અર્થે દરિયાકિનારે જવું કે દરિયો ખેડવો જીવલેણ સાબિત થઈ શકે છે. જેથી કોઈપણ અપ્રિય ઘટના ના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ડુમ્મસ બીચ પર જવા પર અને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સુરતની જનતાને બીચ પર ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ માછીમારો તથા બોટ માલિકોને પોતાની બોટ સુરક્ષિત સ્થળે કેસિંગ અથવા લંગર કરી રાખવાનો આદેશ અપાયો છે. નાગરિકોની સલામતી અને જાનમાલનું રક્ષણ એ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોય, દરિયાકિનારે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ માછીમારો અને નાગરિકોને વહીવટી તંત્રના આ આદેશનું પાલન કરવા અને સહકાર આપવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!