મહુવાના જોળ ગામે આકાશી આફત મકાન ધરાશાયી,સદનસીબે પરિવાર બચ્યો

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મંગળવારે વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન તાલુકાના જોળ ગામે એક કાચું રહેણાંક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે ઘટના સમયે પરિવારના સભ્યોની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, જોળ ગામના બીડ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. અહીં રહેતા અરૂણભાઈ મગનભાઈ તથા પરેશભાઈ મગનભાઈની સંયુક્ત માલિકીનું ઘર નંબર 92 અને 93 ધરાવતું નળિયાવાળું કાચું મકાન આવેલું છે.સવારથી વર્ષી રહેલા સતત વરસાદના ભારે દબાણને લીધે અચાનક જ મકાનનો નળિયાવાળો કાટમાળનો મોટો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો.
મકાન ધરાશાયી થવાના કારણે ઘરમાં રાખવામાં આવેલી ઘરવખરી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી, જેના લીધે પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ આકસ્મિક ઘટના અંગેની જાણ થતાં જ જોળ ગામના સરપંચ વૈશાલીબેન પટેલ તેમજ તલાટી કમ મંત્રી વિજયભાઈ ગોહિલ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે અસરગ્રસ્ત મકાનની રૂબરૂ મુલાકાત લઈને નુકસાનીની વિગતો મેળવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરીને આ અંગેનો પ્રાથમિક અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે, જેથી પીડિત પરિવારને નિયમ મુજબની વહેલી તકે સરકારી સહાય મળી શકે.


