શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ
નવસારીની મીયાંઝરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વારલી પેઇન્ટિંગનું મેળામાં વેચાણઃ
બેગલેસ ડે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અનુભવજન્ય અને વ્યવસાયજન્ય શિક્ષણનું જીવંત ઉદાહરણ એટલે નવસારીની મીયાંઝરી પ્રાથમિક શાળાઃ

બાળકોના હાથમાં બ્રશ, મનમાં આત્મવિશ્વાસ અને ભવિષ્યમાં સ્વરોજગારની દિશા
અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાયેલા મેળામાં પરંપરાગત હસ્તકલા, ખાણી-પીણી સહિત સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યાઃ
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે.
મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત દર શનિવારે ‘બેગલેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં બાળકોને આનંદદાયી અને અનુભવજન્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
બેગલેસ ડેમાંથી ઉપજી સર્જનાત્મકતાની નવી દિશાઃ શિક્ષિકા દર્શનાબેન પટેલ
મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાબેન ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “શાળામાં બેગલેસ ડેની શરૂઆત રમતો અને વિવિધ પ્રવૃત્તિઓથી કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં બાળકો તેમાં કંટાળી રહ્યા હોવાનું અનુભવાયું. તે દરમિયાન બાળકોમાં ચિત્રકલા પ્રત્યે વિશેષ રસ દેખાતા તેમને વારલી પેઇન્ટિંગ શીખવવાનું નક્કી કર્યું. ધીરે-ધીરે આ પ્રવૃત્તિમાં ૪૦થી વધુ બાળકો જોડાયા અને આજે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વારલી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે.”
તેમણે ઉમેર્યું કે, “આ આદિવાસી ઉદ્યોગ મેળાના માધ્યમથી વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી વારલી પેઇન્ટિંગ તેમજ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વેચાણથી મળતી રકમમાંથી બાળકો માટે વારલી પેઇન્ટિંગ બનાવવા જરૂરી સામગ્રી તથા અન્ય વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે ઉપયોગ કરવામાં આવશે. સરકારનું બાળકોને વ્યવસાયજન્ય અને અનુભવજન્ય શિક્ષણ આપવાના વિઝન આ રીતે અમે સાકાર કરી રહ્યાં છે.”
ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫માં સ્વ-હસ્તે બનાવેલી વારલી પેઇન્ટિંગના વેચાણ માટે આવેલા વિદ્યાર્થીઓની ઉત્સાહભરી
પ્રતિક્રિયા:
મીયાંઝરી પ્રાથમિક શાળા ધોરણ-૮માં અભ્યાસ કરતા અંકિત સુરેશભાઈ બોરસદે કહ્યું કે, “બેગલેસ ડેના દિવસે અમે પહેલા રમતો રમતા હતા, પરંતુ શિક્ષકોએ અમને વારલી પેઇન્ટિંગ શીખવાડી. આ કલા અમારી આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલી હોવાથી અમને બહુ રસ પડ્યો. આજે અમારી પેઇન્ટિંગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એ વિચારથી જ અમને ખૂબ આનંદ થાય છે.”
મીયાંઝરી પ્રાથમિક શાળા વિદ્યાર્થીની ખુશી ધર્મેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “અમે શરૂઆતમાં કાગળ પર ચિત્રો દોરતા હતા. બાદમાં કેનવાસ પર વારલી પેઇન્ટિંગ બનાવવાનું શીખ્યા. આજે અમારી બનાવેલી પેઇન્ટિંગ્સ મેળામાં વેચાઈ રહી છે, એ અમારા માટે ગૌરવની લાગણી અનુભવી રહી છું”
રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સંસ્કૃતિ પ્રત્યેનો જોડાણ અને સ્વરોજગાર તરફના પગલાંને નવી દિશા મળી છે. શિક્ષણને વ્યવહારિક અનુભવ સાથે જોડતો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.





