મિશ્ર પાકોની પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરતા અંબિકા તાલુકાના વેલણપુર ગામના વનમાળીભાઈ પટેલ
તુરીયા, રીંગણ, મરચા, દૂધી જેવા શાકભાજી પાકો તથા શેરડીની ખેતી કરીને વનમાળીભાઈ બન્યા આત્મનિર્ભર
રાસાયણિક ખાતર વિના કશું થાય નહીં તેવી માનસિકતા ખોટી છેઃ એક એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે ૧૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરૂ છુંઃ વનમાળીભાઈ

ખેડૂતો પોતાના માટે માત્ર બે ગુંઠાથી આ ખેતીની શરૂઆત કરેઃ મારો દીકરો કહેતો કે ‘પપ્પા, ખાતર વિના કશું પાકે નહીં,પણ હવે તેની માન્યતા બદલાઈ
એક સમયે પરિવારે પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો હતો, પણ એક એકરમાં ૭૮ ટનની શેરડીનું ઉત્પાદન મેળવ્યું ત્યારે પરિવારને પ્રાકૃતિક ખેતી પર વિશ્વાસ બેઠોઃ વનમાળીભાઈ પટેલ
શાકભાજી સહિતના *મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને રૂા.૬.૩૮ લાખની આવક મેળવતા વનમાળીભાઈ પટેલઃ
બે દેશી ગાયોના છાણ અને ગૌમુત્રમાંથી જ જીવામૃત્ત તથા અન્ય દવાઓ બનાવીને કર્યું મૂલ્યવર્ધન

યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સુરત જિલ્લાના અંબિકા (મહુવા)તાલુકાના વેલણપુર ગામના ભાઠેલ ફળિયામાં રહેતા નિવૃત્ત ખેતીવાડી વિસ્તરણ અધિકારી એવા ૬૮ વર્ષના વનમાળીભાઈ રાવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી નિવૃત્તિ જીવનને પ્રવૃત્તિમય બનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. યુવાનોને માર્ગદર્શક બનેલા પ્રગતિશીલ ખેડૂત વનમાળીભાઈ શાકભાજી સહિતના મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને આ વર્ષે રૂા.૬.૩૮ લાખની આવક મેળવી છે.
રાસાયણિક ખાતર વિના કશું થાય નહીં તેવી માનસિકતા ખોટી છે એમ સ્પષ્ટપણે માનતા વનમાળીભાઈ એક એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે ૧૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, રાસાયણિક દવાઓના પરિણામે લોકોમાં રોગોનું પ્રમાણ વધ્યું છે જેના કારણે આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે.
મે ૨૦૧૮માં બે-ચાર ગુંઠામાં ઘરપૂરતી શાકભાજીની પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરનાર આ ખેડૂતે એક સમયે પરિવારે પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ‘મારો દીકરો મને વારંવાર કહેતો કે બાપુજી.. રાસાયણિક ખાતર વગર કશું ન પાકે. આ બધુ શું લઇને બેઠા છો.’? પણ મનમાં એક વિશ્વાસ હતો કે, મારે આ ખેતી કરવી છે અને સફળ થવું જ છે. 

વર્ષ ૨૦૨૦માં મારા મિત્ર ભરતભાઈની સલાહથી પ્રારંભિક તબક્કે પ્રાકૃતિક ખેતીના આયામો અનુસાર એક એકરમાં શેરડીનું વાવેતર કર્યું. જયારે શેરડીનો ઉતારો આવ્યો ત્યારે માત્ર એક એકરમાં ૭૮ ટન જેટલો માતબર ઉતારો આવ્યો. જે બદલ સુગર ફેડરેશને મારૂ સન્માન કર્યું હતું, ત્યારે ઘરપરિવારના સભ્યોને પણ આ ખેતીમાં વિશ્વાસ બેઠો એમ જણાવ્યું હતું.
તેમણે આ ખેતીના અનુભવો શેર કરતા કહ્યું કે, શરૂઆતમાં અમારા મિત્ર ભરતભાઈને ત્યાંથી જીવામૃત્ત, ઘનજીવામૃત્ત લાવીને છંટકાવ કરતા હતા. ત્યારબાદ ૨૦૨૧માં શેરડીમાં મળેલી સફળતા બાદ દેશી ગીર ગાયની બે વાછરડી લાવીને ઉછેર શરૂ કર્યો. હાલમાં બે દેશી ગાયોના છાણ અને ગૌમુત્રમાંથી જ જીવામૃત્ત તથા અન્ય દવાઓ બનાવીને પ્રાકૃતિક ખેતી કરૂ છું. ૩૦ ગુંઠામાં મંડપ આધારિત પરવળ, હળદર, મરચી, તુરીયા, કોબી, ટામેટા, દૂધી જેવા મિશ્ર પાકો આધારિત ખેતી કરૂ છું. મરચીમાં ગાયના છાણની રાખનો છંટકાવ કરીએ છીએ, જેના ખૂબ સારૂ પરિણામ મળ્યું છે.
ઉત્પાદન અને આવક વિશે તેઓ જણાવે છે કે, ૧૫ ગુઠામાં વાવેલા તુરીયામાં રૂા.૭૦,૦૦૦ અને દુધીમાં રૂા.૧૬૯૦૦ જયારે બીજા ૧૫ ગુંઠામાં રિંગણમાં રુા.૫૧,૧૩૦, પરવળમાં રૂા.૯૨,૮૦૦ તથા લીલી હળદરમાં ૮૦૦૦ ની આવક મેળવી હતી. જયારે છ વીઘામાં ૧૨૨ ટન શેરડીનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં એક ટનદીઠ ૩૨૭૧ ભાવ મળતા ચારેક લાખની આવક થઈ છે. તેમની વાડીમાં દૈનિક પાંચ થી છ શ્રમિકો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે.
શાકભાજી પાકોમાં આવતા રોગોના નિયંત્રણ માટેની વાત કરતા તેઓ જણાવે છે કે, વાસી છાશ અને ગૌકૃપા અમૃત્તનો છંટકાવ કરૂ છું, જેનાથી કોઈ પણ રોગ આવતા નથી. છતા આવે તો નિમાસ્ત્રનો છંટકાવ કરૂછું. છતા પણ કંટ્રોલ ન થાય તો અગ્નિ અસ્ત્ર અને પછી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરૂ છું. જેનાથી જીવાત સંપુર્ણ કંટ્રોલ થાય છે.

શાકભાજીના વેચાણ અંગે વાત કરતા કહે છે કે, આસપાસના ગામડાઓના લોકો શાકભાજીના મારા ઘર અને ખેતરે આવીને લઈ જાય છે. નજીક ભરાતા હાટબજારમાં તેમજ શહેરમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રમાં મારો માલ વેચાણ કરૂ છું.
શુદ્ધ સાત્વિક આહારના આગ્રહી અને ખેતીમાં અદ્યતન ટેકનોલોજીના હિમાયતી ખેડૂત શ્રી વનમાળીભાઈ કહે છે કે, ખેતીને લાભકારી, ટકાઉ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ પડશે. થોડી મહેનત છે પણ સંતોષ પણ છે કે લોકોને શુધ્ધ ખોરાકનું ઉત્પાદન કરૂ છું. આજે ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાના ઉપયોગના લીધે નાગરિકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસરો થઈ રહી છે, વધતી જતી ગંભીર બિમારીઓ છે તે તેની સાક્ષી પૂરે છે. એટલે જ ખેડૂતો પોતાના ઘરની જરૂરિયાતના શાકભાજી, અનાજ મુજબ આ ખેતીની શરૂઆત કરે.




