ગોપળા ગામે હુમલાનો ભોગ બનનાર આદિવાસી સમાજના પરિવારને સહાય
મહુવા તાલુકાના ગોપળા ગામનુ વાતાવરણ દિવાળીની રાત્રે ભારે તંગ બની ગયુ હતુ.માલધારી સમાજના યુવાનો દ્વારા ગોપળા ગામે ઢોડિયાવાડ ફળિયામાં રહેતા હર્ષદભાઈ પટેલ,ક્રિષ્નાબેન પટેલ અને પ્રિન્સ પટેલને નાલાયક ગાળો આપી દાતરડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો.ઘટના બાદ આજુબાજુ ગામના આદિવાસી સમાજના આગેવાનો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.મહુવા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત હુમલો કરનાર માલધારી સમાજના ઈસમો વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્યાચારનો ભોગ બનનાર પરિવારને તાત્કાલિક સહાય મળે તે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા રજુઆત કરી હતી.અને પિતા પુત્ર અને પુત્રીને 2-2 લાખ મળી કુલ 6 લાખ રૂપિયાની સહાય મંજુર કરાવી હતી. સહાયના 25 ટકા લેખે વ્યક્તિ દિઠ 50,000 રૂપિયા ચુકવવાનો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ સુરત દ્વારા હુકમ કરાતા ભોગ બનનાર આદિવાસી પરિવાર આનંદિત થઈ ગયો હતો અને મહુવા ધારાસભ્ય મોહનભાઈની કામગીરી બિરદાવી હતી.





