કાછલ ગામે ગણેશ વિસર્જનમાં ડૂબેલ યુવાનની ફાયરની ટીમને બીજા દિવસે પણ કોઈ ભાળ નહિ.
સુરત,મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાછલ ગામની સીમમાંથી પસાર થતી ધુમાસી ખાડીમાં ગ્રામજનો શનિવારે સાંજે બાપાને વિસર્જિત કરવા જઈ રહ્યા હતા.તે દરમિયાન અકસ્માતે ગામના ત્રણ યુવાનો
કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી, ઉદયભાઈ નવરજીભાઈ ચૌધરી અને કમલેશ રતિલાલભાઈ ચૌધરી ખાડીના ઉંડા પાણીના વહેણમાં ડૂબવા લાગ્યા હતા.ખાડીના પાણીમાં ડુબનાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનો ઉદયભાઈ ચૌધરી અને કમલેશભાઈ ચૌધરી ગ્રામજનોની મદદથી ખાડીના પાણીમાંથી બહાર આવવામા સફળ રહ્યા હતા.જ્યારે 37 વર્ષીય યુવાન કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી ખાડીના પાણીમાંથી બહાર આવી શક્યો ન હતો અને ઉંડા પાણીના વહેણમા તણાઈ ગયો હતો.સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ યુવાનની શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી.ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાળ કરાતા ફાયર ઓફિસર પી.બી.ગઢવી અને એમની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી રાત્રીના અંધારામાં ખાડીના પાણીમાં ડૂબનાર યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ રાત્રે પણ યુવાનની કોઈ ભાળ મળી ન હતી.ત્યારબાદ બીજા દિવસે રવિવારે પણ ફાયરની ટીમ દ્વારા ખાડીમાં ડુબનાર યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બીજા દિવસે પણ પુરના પાણી વધુ હોવાથી યુવાનની સાંજ સુધી કોઈ ભાળ મળી ન હતી.24 કલાક થી વધુ સમય થવા છતાં પણ ખાડીના પાણીમાંથી યુવાનની કોઈ ભાળ ન મળતા પરિવારજનો સહિત ગ્રામજનોમા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.





