આદિ કર્મયોગી અભિયાન
સુરત જિલ્લાના આદિવાસી ક્ષેત્રના ૩૯૮ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે
પાંચ લાખથી વધુ વસ્તીને આવરી લેવાશે
જનપ્રતિનિધિઓને સાથે રાખીને ગામનો વિકાસ પ્લાન બનાવાશે
૨ ઓકટોબરે ગામ વિકાસ પ્લાનની ચર્ચાઓ થશે
સુરત ખાતે નિવાસી અધિક કલકેટર શ્રી વિજય રબારીના આદિ કર્મયોગી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા ધરતીઆંબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ રાજયભરમાં તા.૨૨ ઓગસ્ટ થી તા.૨ ઓકટોબર સુધી આદિ કર્મયોગી અભિયાન યોજાશે. જેના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલકેટર શ્રી વિજય રબારીના અધ્યક્ષતામાં આદિ કર્મયોગી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો.
આ અભિયાનનો મુખ્ય આશય આદિવાસીઓનો સર્વક્ષેત્રે વિકાસ કરવાનો છે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે. જેના માટે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ૩૯૮ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર, યોજનાઓનું એનાલીસીસ, અધિકારીઓની દર અઠવાડિયે એક કલાકની સેવાઓ આપવાની રહેશે. આદિવાસી ગામમાં તેમની તમામ જરૂરિયાતો સંતોષાય તે મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે આદિ કર્મયોગી અભિયાન કારગત નીવડશે.
આ અવસરે નિવાસી અધિક કલકેટર શ્રી વિજય રબારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજય સરકારનો આશય છેવાડાના માનવીને યોજનાકીય લાભ આપીને પગભર બનાવવાનો છે. જેથી કાગળ પર ન રહી, ગ્રામ્ય કક્ષાના સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખીને ગ્રામ વિઝન તૈયાર કરવામાં આવે તે અતિ જરૂરી છે. મુખ્ય ઉદેશ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય શાસન અને સેવા બહેતર બનાવવાનો છે.
આદિ કર્મયોગી અભિયાન હેઠળ સુરત જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકુ ઘર , શુદ્વ પીવાનું પાણી, વીજળીકરણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર તક, માન સન્માન, સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાને જતન કરવાનો છે. જિલ્લામાં નવ તાલુકાના પાંચ લાખ લોકોને આવરી લેવાશે. જેંમા બારડોલી તાલુકાના ૬૪, ચોર્યાસીના ૬, કામરેજના ૨૭, મહુવા ૫૮, માંડવી ૯૩, માંગરોળ ૫૩, ઓલપાડ ૧૯, પલસાણા ૨૬ અને ઉપરપાડા ૫૨ ગામોનો સમાવેશ થાય છે.
આદિ કર્મયોગી અભિયાન હેઠળ જુદા જુદા વિભાગમાંથી માસ્ટર ટ્રેનર, બ્લોક નોડલ ઓફિસર, બ્લોક માસ્ટર ટ્રેનરની નિમણૂંક કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ ગામના આગેવાનો, પદાધિકારીઓ સાથે રાખીને વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો રહેશે. જેની ચર્ચા- મંજુરી ૨ ઓકટોબર-૨૦૨૫ ના રોજ યોજાનાર ગ્રામ સભામાં કરવામાં આવશે. ગામજનોને આ બાબતે અગાઉથી જાણકારી આપવાની રહેશે. જેથી વિકાસનો માઇલ સ્ટોન તૈયાર થઇ શકે.
કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના કલ્યાણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા, ગ્રામ્ય સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓને પણ આદિવાસીઓના વિકાસ કાર્યમાં જોડવામાં આવી છે. તમામ વિભાગો એક સાથે મળીને આદિવાસીઓના સર્વાંગી વિકાસના અભિયાનને સફળ બનાવવા નિવાસી અધિક કલેકટર દ્વારા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં આદિવાસીઓના વિકાસમાં ભાગીદાર બનવા સૌ અધિકારીઓને શપથ લીધા હતા. બેઠકમાં સૌ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


