VNSGU- ૫૭મો પદવીદાન સમારોહ
માતૃત્વ, અભ્યાસ અને સંશોધન વચ્ચે સંતુલન સાધી હેમાંગિનીબેન પીએચ.ડી. થયા
નવજાત દીકરીની દેખભાળ, પરિવારની જવાબદારી સાથે પીએચ.ડી.નો કર્યો અભ્યાસ:
સાસુ, સસરા અને નણંદે હંમેશાં મને એવી હુંફ આપી કે જેથી મારો ઉત્સાહ ટકી રહે અને મક્કમતાથી અભ્યાસ ચાલુ રાખી શકું: હેમાંગિનીબેન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૭મા પદવીદાન સમારોહમાં આજે અનેક વિદ્યાર્થીઓને પદવી અને ગૌરવ મળ્યું, પરંતુ તેમાં એક મહિલા વિશેષ હતા, ૩૪ વર્ષીય હેમાંગિનીબેન અંકલેશ્વરમાં રહે છે અને VNSGU માં લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કરી રાજ્યપાલશ્રીના હસ્તે પદવી મેળવી હતી. મહિલા સશક્તિકરણના ઉદાહરણ સમાન હેમાંગિનીબેન માતૃત્વ, અભ્યાસ અને સંશોધન વચ્ચે સંતુલન સાધી પીએચ.ડી. થયા છે.
તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, પીએચ.ડી. બનવાનો માર્ગ સંઘર્ષયુક્ત રહ્યો. જ્યારે મારી પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી, ત્યારે મારી દીકરી ફક્ત ૨૦ દિવસની હતી. એક તરફ માતૃત્વની જવાબદારીઓ અને બીજી તરફ અભ્યાસ અને સંશોધન. આ બેવડી જવાબદારીને નિભાવવી સરળ નહોતી, છતાં, અદમ્ય મનોબળથી તેમણે સિદ્ધિ અને ડિગ્રી મેળવી.
તેઓ જણાવે છે કે, અભ્યાસની આ સંઘર્ષમય સફરમાં સાસરિયાએ ઉત્સાહ વધાર્યો અને સહકાર પણ આપ્યો. મારા સાસુ, સસરા અને નણંદે હંમેશાં મને એવી હુંફ આપી કે જેથી મારો ઉત્સાહ ટકી રહે અને મક્કમતાથી અભ્યાસ ચાલુ રાખી શકું. તેઓએ મારા પર ઘરકામ કે બાળકીની સંભાળનું ભારણ કે દબાણ કદી આવવા ન દીધું.
આજના સમયમાં, જ્યાં ઘણીવાર લગ્ન અને સંતાન પછી સ્ત્રીઓના સપના અધૂરા રહી જાય છે, ત્યાં હેમાંગિનીબેનનું પ્રેરક ઉદાહરણ સમાજને નવી દિશા આપે છે. તેઓ કહે છે કે, પરિવારના સાથસહકાર અને સ્ત્રીની દૃઢ ઈચ્છાશક્તિ હોય તો લક્ષ્ય હાંસલ કરી શકાય છે. જો લક્ષ્ય નક્કી કર્યું હોય, તો પ્રથમ પગલું તમારે જ ભરવું પડે છે. પરિવાર અને સમાજ જરૂર સાથ આપશે, પરંતુ શરૂઆત તમારે કરવી જ પડશે.”






