મહુવા સુગર ફેકટરી ખાતે યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના અધ્યક્ષતામાં બેઠક મળી
સૌને સાથે મળીને ઉજવણીમાં સહભાગી થવાનો અનુરોધ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા રાજ્યના આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૯મી ઓગષ્ટ- વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરી ખાતે કરવામાં આવનાર છે, જેના આયોજન અને અમલવારી સંદર્ભે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયા, માંડવી પ્રાયોજના વહીવટદાર તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.
મહુવા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મહુવા તાલુકાના સૌ કોઈને આ દિવસની ઉજવણીમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.
માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી સુનિલે કાર્યક્રમના આયોજન અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓને મંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, લાઈવ પ્રસારણ, એલ.ઈ.ડી.ની વ્યવસ્થા, સાંસ્કૃતિક કૃતિઓ, વૃક્ષોરોપણ સહિતની વ્યવસ્થાઓ સુચારૂ રીતે થાય તે માટે સૂચનાઓ આપી હતી. સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓને જનમેદની સાથે ઉપસ્થિત રહીને ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવાનો સૌને અનુરોધ કર્યો હતો.
બેઠકમાં બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીની પૂર્વતૈયારી, આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, વિવિધ યોજનાના લાભાર્થીઓને એસેટ-પ્રમાણપત્ર વિતરણ અંગે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. આદિવાસી દિવસની ઉજવણીમાં જનભાગીદારી સાથે લોકો જોડાય તે માટે સૌ વિભાગોને કાર્ય કરવા જણાવ્યું હતું.
બેઠકમાં મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


