Traffic Tail

સુરત જિલ્લાના ખેડૂતો માટે કપાસમાં ચૂસીયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શિકા

SHARE:

સુરત જિલ્લાના ખેડૂતો માટે કપાસમાં ચૂસીયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શિકા
જિલ્લાના ખેડૂતોને કપાસના ઊભા પાકમા જોવા મળતી મોલોમશી, તડતડિયા, સફેદમાખી, મિલીબગ જેવી ચૂસીયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવા હેતુસર માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જે અનુસાર, જિલ્લાના ખેડૂતોએ કપાસમાં ચૂસીયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ નીચે મુજબ પગલા લેવા:
• શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/કાંકસી/જંગલી ભીંડા/કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો.
• મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી.
• લીમડાનાં મીંજનું પત્રનું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦,૩૦૦૦ કે ૧૦,૦000 પીપીએમ અનુક્રમે ૫ લી, ૨.૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.
• મોલો મશી, સફેદમાખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો.
• રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જોડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી શકાય.
• પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.
• ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.
• સફેદમાખીના ઉપદ્રવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ટી મોસ્કીટો બગથી થયેલ નુક્શાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવું. આ અંગે વધુ જાણકારી સ્થાનિક ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તા.અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિ.ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!