પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૩૩ :સુરત જિલ્લા
પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક(ભાગ-૨)
પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો મેળ હોવા જરૂરી
પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે જાણશું. જમીન એ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે.
૨) જમીનનો નમૂનો લેવાની રીત
જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે અંગ્રેજીમાં ‘વી’ આકારનો ખાડો કરી એક ફૂટ જેટલી ઉંડાઈ સુધીની માટી લેવી. આ નમૂનો લેતા અગાઉ જમીનના ઉપરના ભાગમાંથી કાંકરા, કચરો દુર કરવા, જમીનનો ઉપરથી નીચે સુધીનો સળંગ સમાંતર ભાગ આવી જાય તે રીતે પાવડાથી માટી લેવી ખાસ જરૂરી છે. આમ, આ રીતે આઠથી દશ જગ્યાએથી લીધેલ માટીને એક ગમલામાં ભેગી કરી, બરાબર મિશ્ર કરી, ત્યારબાદ તેમાંથી અડધો કિલો જેટલી માટી પ્લાસ્ટિક અથવા કાપડની સારી કોથળીમાં ભરી નીચે પ્રમાણે જરૂરી માહિત સાથે ચકાસણી માટે મોકલવી.
૩) જમીનના નમૂના અંગે ધ્યાનમાં રાખવાની બાબતો:
૧. જમીનનો નમૂનો પાકની કાપણી બાદ અથવા પાક વાવતા પહેલા લેવો.
૨. ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો પાકની હરોળ વચ્ચેથી લેવો.
૩. ખાતરનો ખાડો, વાડ, ઝાડ, સેઢા કે પાણીના ખાબોચિયા પાસેથી નમૂનો લેવો નહીં.
૪. બાગાયતના પાક માટે ઝાડના ઘેરાવાની નીચેની ૩-૪ જગ્યાએથી માટી લઈ ભેગી કરી નમૂનો લેવો.
૫. જમીનનો નમૂનો ખાતરવાળી કે છાણવાળી જગ્યાએથી દુર રાખવો.
૬. નમૂનો લેવાની કોથળી સ્વચ્છ હોવી જોઈએ.
૭. નમૂના સાથે નીચે પ્રમાણેની જરૂરી માહિતી અવશ્ય મોકલવી.
પિયત એક અગત્યનું પરિબળ:
ઘનિષ્ઠ ખેતી પદ્ધતિના ઉપયોગથી એકમ વિસ્તારમાં વર્ષ દરમિયાન એકથી વધુ પાકો લઈ વધુ આવક મેળવવી તે રાષ્ટ્રના હિતની વાત છે. આ માટે પિયત એક અગત્યનું પરિબળ છે. જો પાણીની પુરતી સગવડતા હોય તો ખેડૂત ધાર્યું ઉત્પાદન મેળવી આર્થિક રીતે વધુ ફાયદો મેળવી શકે છે. પરંતુ આ માટે જમીન અને પાણીનો મેળ હોવો જરૂરી છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો મેળ હોવા જરૂરી છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.




