સુરત જિલ્લાના ૧૮૯ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરાયા
શિક્ષણ સહાયકો ‘આઉટ ઓફ ધ બોક્સ’ જઈને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરે, વિદ્યાર્થીઓને કુશળ બનાવે: નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી
સમગ્ર રાજ્યમાં પારદર્શી રીતે ભરતી પ્રક્રિયા કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવતા શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશ પટેલ
રાજ્યના શિક્ષણ વિભાગ, કમિશનર શાળાઓની કચેરી- ગાંધીનગરની પ્રેરણાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૫ અંતર્ગત પસંદગી પામેલા સુરત જિલ્લાના ૧૮૯ શિક્ષણ સહાયકોને નિમણૂકના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશ પટેલ, સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારના હસ્તે ઉચ્ચત્તર માધ્ય.શાળાઓના નવનિયુક્ત શિક્ષણ સહાયકોને ગુરૂકૃપા વિદ્યાસંકુલ-ઉધના ખાતે આયોજિત સમારોહમાં અપોઈન્ટમેન્ટ ઓર્ડરનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીએ શિક્ષણની નવી યાત્રા શરૂ કરી રહેલા ૧૮૯ શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, નવી નિમણૂક પામેલા યુવા શિક્ષકો સિલેબસ સેન્ટ્રીક- માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પર જ નિર્ભર ન રહે પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરે, વિદ્યાર્થીઓને સ્કીલ્ડ બનાવે, સભ્ય નાગરિક બનાવવાની ફરજ પણ નિભાવે. નવા શિક્ષકોથી જિલ્લાની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને કાર્યક્ષમતા વધશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સમગ્ર રાજ્યમાં પારદર્શી રીતે ભરતી પ્રક્રિયા કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવી શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશ પટેલે કહ્યું કે, ભણવા સાથે ગણવું પણ જરૂરી છે. નવનિયુક્ત શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપતી વખતે ભણતર સાથે ગણતરને મહત્વ આપે. શિક્ષકો વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે, એટલે સમાજહિતમાં શિક્ષકોની જવાબદારી પણ વધે છે એમ જણાવી નવનિયુક્ત શિક્ષકોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે પ્રેરિત કર્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, ગત વર્ષે સુરત જિલ્લામાં ૧૫ નવી સરકારી શાળાઓ શરૂ થઈ છે, તેમજ ભવિષ્યમાં પણ વધુ નવી સરકારી શાળાઓ કાર્યરત થાય તેવું શિક્ષણ વિભાગનું આયોજન છે. સુરત જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઉંચું છે. જિલ્લાના વિદ્યાર્થીઓ સખ્ત પરિશ્રમથી ગુજરાતભરમાં સુરતનું નામ રોશન કરી રહ્યા છે. ગત વર્ષમાં જિલ્લાની ૨૪૨ શાળાઓનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષે રાજ્યભરમાંથી સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરે છે, જે એક ગૌરવપ્રદ સિદ્ધિ છે. ગ્રાન્ટેડ શાળાઓનો વિકાસ થાય તેમજ પારદર્શક ભરતી દ્વારા દરેક ઉમેદવારને સમાન ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે એમ શ્રી પરમારે ઉમેર્યું હતું.
આ પ્રસંગે DEO કચેરીના વહીવટી અધિકારીશ્રી નરેશ જોષી, સુરત જિલ્લાની ભરતી પ્રક્રિયાના નોડલ ઓફિસર અને શિક્ષણ નિરીક્ષકશ્રી એચ.બી.બારોટ, શિક્ષણ નિરીક્ષક સર્વશ્રી ડો.સંગિતા મિસ્ત્રી, એન.જી.વસાવા, તેજલ રાવ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને નવનિયુક્ત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.



