સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘મારી માટી મારો દેશ’ અભિયાનના ભાગરૂપે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ઉધનાથી પ્રસ્થાન થયેલી ‘અમૃત કળશ યાત્રા’ના ૩૦ અમૃત કળશ રથો શહેરના દરેક વોર્ડમાં પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કરશે
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘મારી માટી મારો દેશ’ અભિયાનના ભાગરૂપે ઉધના ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. ઉધના દરવાજા, ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે ફ્લેગ ઓફ આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. ૩૦ અમૃત કળશ રથો શહેરના દરેક વોર્ડમાં પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કરશે.
યાત્રા દરમિયાન શહેરના દરેક વોર્ડના નાગરિકો પાસેથી માટીના કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એકત્રિત માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત વાટિકાના નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઇ પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, દંડક શશીકલા ત્રિપાઠી, અગ્રણી નિરંજનભાઈ ઝાંઝમેરા, દિનેશભાઈ જોધાણી સહિત પદાધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, વોર્ડના આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


