Traffic Tail

નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત ‘અમર કક્ષ’ને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

SHARE:

નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત ‘અમર કક્ષ’ને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું પ્રથમ મેમોરિયલ

નવી સિવિલમાં ૬૭ અંગદાન થકી ૨૫૦થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી

નવી સિવિલના કિડની બિલ્ડિંગમાં નિર્મિત ‘અમર કક્ષ’ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે: અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખ
નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત ‘અમર કક્ષ’ને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. કિડની બિલ્ડીંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. નવી સિવિલથી અત્યાર સુધીમાં ૬૭ સફળ અંગદાન થકી ૨૫૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે. આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે. ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઇ રહ્યાં છે.
વધુમા મંત્રીશ્રીએ કહ્યું કે, ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ તેમના માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે અને અંગદાન માટે પ્રેરાશે. ‘અમર કક્ષ’ એ સ્વ. અંગદાતાઓના ઉદ્દાત કાર્યને અમર અને યાદગાર બનાવશે એમ જણાવી નવી સિવિલ તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઉભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખે કહ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ ‘અમર કક્ષ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘અમર કક્ષ’ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે અને માનવસેવામાં સહભાગી બનાવશે. સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને આરોગ્ય સેનાનીઓના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃત્તિ વધી છે. પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે-ખૂણે પહોંચી છે.
એક રીતે વ્યક્તિ મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં વસે છે. આમ તે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, ટી.બી. અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, કોર્પોરેટરો દિનેશ રાજપુરોહિત અને અમિતસિંહ રાજપૂત, પૂર્વ શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ન્યુરો સર્જનની ટીમ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસ, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, ઓર્ગન ડોનેશનના કાઉન્સેલરો, નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, અંગદાતાઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘અમર કક્ષ’ની એક ઝલક:

નવી સિવિલ હોસ્પિટલના ‘અમર કક્ષ’માં અત્યાર સુધી થયેલા ૬૭ અંગદાન વિશે માહિતી, આ તમામ અંગદાતાની તસવીરો, સ્મૃતિપત્રો, અંગદાનના મહત્વને ઉજાગર કરતા સૂત્રો, આર્ટિકલ્સ, અખબારી અહેવાલો, લેખો મૂકવામાં આવ્યા છે. અંગદાનના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોને નવજીવન મળ્યું છે, એ વાત સાથે અંગદાન કર્યા બાદ કોઈને મળેલી નવી જિંદગીની કહાનીઓ અહીં દર્શાવવામાં આવી છે, જેથી મુલાકાત લેનાર અંગદાનનું મહત્વ સમજશે. વધુમા આ કક્ષમાં એક કાઉન્સેલીગ રૂમ પણ બનાવાયો છે, જ્યાં બ્રેઈનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલિંગ કરાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!