વૃક્ષોનો ઉત્સવ -વન મહોત્સવ
ઓલપાડ તાલુકાના જીણોદ ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ઉજવણી
રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત્ત: સમગ્ર ગુજરાતમાં ૮૫ નમો વડ વનનું નિર્માણ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સામાજીક વનીકરણ વિભાગ-સુરત ઓલપાડ રેન્જમાં ઓલપાડ તાલુકાના જીણોદ ગામે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં “૭૪ માં વનમહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકો હરીયાળો બને તે માટે સામાજીક વનીકરણ વિભાગ-સુરત દ્વારા ઓલપાડ તાલુકામાં રોપા વિતરણ માટે અટોદરા નર્સરીમાં મુખ્યત્વે નિલગીરી, બંગાળી બાવળ, સાગ, લીમડા, શરૂ, ઔષધીય, ફળાઉ, તુલસી, ફુલછોડ તમામ જાતના રોપા મળી કુલ ૩ લાખ રોપાઓ તૈયાર કરાયા છે. મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને પ્રસ્થાન કરાવવા સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલના સમયમાં કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત્ત છે. સમગ્ર ગુજરાતમાં ૮૫ નમો વડ વન તૈયાર કરવામાં આવ્યા છે, તેજ પ્રમાણે વન કવચ જે જાપાનીસ પદ્ધતિથી વૃક્ષો ઉગાડવામાં આવે છે જેમાં જે વૃક્ષનો ૩ વર્ષમાં ઉછેર થાય તે આ પદ્ધતિમાં ૧ વર્ષમાં તૈયાર થાય છે. જેમાં તમામ પ્રકારના ઝાડો આવી જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વન કવચ જ્યારે તૈયાર થશે ત્યારે આસપાસના લોકો માટે સારું એવું પર્યટક સ્થળ મળી રહેશે. આજે વૃક્ષો વાવેતર ખૂબ જરૂરી છે કારણ કે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવવાની ઘટના બનતી હોય છે અને તે માટે પર્યાવરણ માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જરૂરી છે.વન મહોત્સવના ભગીરથ કાર્યમાં સૌ રોપા વાવી તેનું જતન કરી ઉછેરીને ગ્રીન ગુજરાત કલીન સાથે ઓલપાડ તાલુકો અને સમગ્ર સુરત જીલ્લાને હરિયાળું બનાવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સુરતના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ જણાવ્યું કે, ઓલપાડ તાલુકો હરીયાળો બને તે માટે સામાજીક વનીકરણ વિભાગ-સુરત દ્વારા ઓલપાડ તાલુકામાં રોપા વિતરણ માટે અટોદરા નર્સરીમાં મુખ્યત્વે નિલગીરી, બંગાળી બાવળ, સાગ, લીમડા, શરૂ, ઔષધીય, ફળાઉ, તુલસી, ફુલછોડ તમામ જાતના રોપા મળી કુલ ૩ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. વન મહોત્સવ ઉજવણી તેમજ વનીકરણ ઝુંબેશ દરમ્યાન લોકોને વૃક્ષ ઉછેર ચાલુ વર્ષે ઓલપાડ તાલુકામાં સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા ઘનિષ્ઠ વનીકરણનાં ભાગરૂપે રસ્તા, નહેરની બાજુ, ગામની ગૌચર જમીનમાં તથા ખેડુતોની માલીકીની જમીનમાં, શેઢા પાળે, વગેરે મળી કુલ ૨૦૧ હેક્ટરમાં ૨ લાખ રોપાઓનું વાવેતર પ્રગતિ હેઠળ છે. તેમજ ખેડુતલક્ષી યોજનાઓ દ્વારા ચાલુ વર્ષે ૧૦ લાખની સહાય ખેડુતોને ચુકવવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, ઓલપાડ તાલુકાના મિરજાપોર ખાતે વન કવચ બનાવવામાં આવ્યા છે. વન કવચ એક જાપાનીઝ પદ્ધતિ છે કે, જેમાં વૃક્ષો ઝડપથી ઉગે છે અને થોડા વર્ષોમાં ગાઢ જંગલ તૈયાર થાય છે. ઉપારાંત સુરત જિલ્લામાં નમો વડ વનનાં નિર્માણનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જે રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ એમ.પટેલ, અગ્રણી બ્રિજેશભાઈ પટેલ, મામલતદાર લક્ષ્મણભાઈ આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી મૌલિક દોંગા, સરપંચ વર્ષાબેન રાઠોડ, ઉપસરપંચ ભારતીબેન પટેલ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


