ખરીફ મકાઈના પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા અનુરોધ
ખરીફ મકાઈના પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે, જે મુજબ..
જમીનમાં ઉંડી ખેડ દિવસ દરમિયાન કરવી જેથી તેમાં રહેલ કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી.
ભલામણ કરેલ ખેતી પધ્ધતિનો સમયસર ઉપયોગ કરવો. એક જ જમીન પર મકાઈ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી અપનાવવી. પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો.
મકાઈમાં પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી તેમજ જમીનનું તાપમાન નીચુ રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે.
મકાઈમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા. તેમજ ઉપદ્રવ ઓછો રહે એ માટે મકાઈની વાવણી ૧૫ જૂનથી ૩૦ જૂન સુધીમાં કરવી. વાવેતર પહેલાં લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવું.
પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો જેવી કે, ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રીડ-3 (GAYMH-3) નું વાવેતર કરવું.
પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન -૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી.
ગાભમારા/ સાંઠાની ઈયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જેથી શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય.
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.
મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરૂરિયાતને ધ્યાને લઈ, ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી.
ટપકાંવાળી લશ્કરી ઈયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટાનીલીપ્રોલ ૧૯.૮%+ થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ. / કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.
આ અંગે વધુ વિગતો, જાણકારી અને માર્ગદર્શન માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિ.ખેતીવાડી અધિકારી કે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.






