ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત
ફ્લડ પ્રોટેક્શન વોલ બનવાથી મીંઢોળા નદી કાંઠે જમીનનું ધોવાણ અટકશે: જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ચોર્યાસી તાલુકામાં પીવાના પાણી, આરોગ્ય, ફાયર સહિત રોડ-રસ્તાના વિકાસકામોનો લાભ સ્થાનિક જનતાને મળી રહ્યો છે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ

મીંઢોળા નદીકિનારાના કનસાડ ગામની જમીનનું ધોવાણ થતું અટકાવવા તેમજ નદી કાંઠાના સંરક્ષણ માટે પ્રોટેક્શન વોલ નિર્માણ થશે
ચોમાસામાં કનસાડ ગામની ડ્રેઈનોમાં આવતા પૂરના પાણી સરળતાથી વહી જાય તે માટે બોક્ષ કલ્વર્ટ સ્ટ્રકચરો રિનોવેટ કરાશે
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કનસાડ ગામ સ્થિત મીંઢોળા નદીના કાંઠે જમીન ધોવાણ અટકાવવા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપક્રમે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ અને બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
કનસાડ ગામની જમીનનું ધોવાણ થતું અટકાવવા તેમજ નદી કાંઠાના સંરક્ષણ માટે પ્રોટેક્શન વોલ નિર્માણ તથા ચોમાસા દરમ્યાન ગામની ડ્રેઈનોમાં આવતા પૂરના પાણી સરળતાથી વહી જાય તે માટે બોક્ષ કલ્વર્ટ સ્ટ્રકચરો રિનોવેટ થતા આગામી સમયમાં સ્થાનિક નાગરિકોને બહોળો ફાયદો થશે. રાજ્ય સરકારે ઉપરોક્ત કામોથી ગ્રામજનોની માંગણી અને લાગણીને વાચા આપી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કનસાડ ગામજનોની ફ્લડ પ્રોટેક્શન વોલની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે. ફ્લડ પ્રોટેક્શન વોલ બનવાથી મીંઢોળા નદી કાંઠેની જમીનનું ધોવાણ અટકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વિવિધ યોજનાનો ૧૦૦ ટકા લાભ મળ્યો છે. વન વિભાગ દ્વારા કનસાડ ખાતે સમગ્ર ગુજરાતના નમૂનારૂપ વન કવચ અને વન કુટિર બન્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૦૦થી વધુ હળપતિ આવાસ બન્યા છે.
મંત્રીશ્રીએ જળસંચય માટે સૌએ સામૂહિક પ્રયાસો કરવા પર ભાર મૂકતા કહ્યું કે, સુરત જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે મોટાપાયે સ્થળોને આઇડન્ટિફાઇ કરી જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટીંગ કરી મહામૂલા પાણીનો બચાવ કરવાનું અભિયાન આજે જનઆંદોલન બન્યું છે. ચોર્યાસી તાલુકામાં જન ભાગીદારીથી ૨૭,૩૦૦થી વોટર રિચાર્જ હાર્વેસ્ટિંગના કામો પ્રગતિ હેઠળ છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પીવાના પાણી, આરોગ્ય, ફાયર સહિત રોડ-રસ્તાના વિકાસકામોનો સ્થાનિક જનતાને મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન મીંઢોળા નદીમાં પુરના પાણીથી થતા જમીન ધોવાણની સમસ્યાનું આજે નિરાકરણ આવ્યું છે. આવનાર સમયમાં તાપી નદી ઉપર રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે બેરેજ ડેમ બનશે, જે દક્ષિણ ગુજરાતનો જળ આપૂર્તિનો નવતર અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.
શ્રી દેસાઈએ ઉમેર્યુકે, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં અગાઉ પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જ્યારે હવે પીવાના પાણીની માટે રૂ.૧૦૦ કરોડથી વધુના કામો પ્રગતિ હેઠળ છે. આવનાર સમયમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ૧૧ ગામોને પાણી મળશે. સુરત મનપા દ્વારા ૮.૧૭ કરોડના ખર્ચે તળાવની પણ મંજૂરી મળી છે.
વધુમાં ધારાસભ્ય સંદિપભાઈએ વધુમાં કહ્યું હતું કે, ચોર્યાસી તાલુકામાં સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તાની પહોળાઈ વધવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. આરોગ્યની સુવિધામાં વધારો કરવા સચિનમાં આવનાર સમયમાં ૫૦ બેડની હોસ્પિટલ સાકારિત થશે. તદ્દઉપરાંત ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ થશે. ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજિત રૂ.૧૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો તબક્કાવાર મંજૂર થયા છે. સચિનથી નવસારી સુધી છ લેનના રોડ માટે રૂ.૬૦૦ કરોડ મંજૂરી મળી છે. ટૂંક સમયમાં સચિનમાં GEBની ઓફિસ કાર્યરત થશે જેથી વિજળીને લગતી કામગીરી માટે દૂર નહી જવું પડે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, રૂ.૨૦ કરોડના ખર્ચે મીંઢોળા નદીના જમણા કિનારા પર ગેબિયન ફ્લડ પ્રોટેક્શન વોલ, કનસાડ મુખ્ય ડ્રેઈન પર રૂ.૭૨.૦૨ લાખના ખર્ચે હયાત આર.સી.સી. બોક્ષ કલ્વર્ટસનું રિનોવેશન, કનસાડ ગામ પાસે એરથાણ સચિન પાલી ડ્રેઈન પર રૂ.૫૧.૫૭ લાખના ખર્ચે હયાત આર.સી.સી. બોક્ષ કલ્વર્ટસનું રિનોવેશનની ખાતમુહૂર્ત-તકતીઓનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર સર્વશ્રી પિયુષાબેન પટેલ, રિનાબેન રાજપૂત, ચિરાગ સોલંકી, હસમુખભાઈ, સુરત ડિસ્ટ્રીકટ કો. બેંકના ચેરમેન બળવંત પટેલ, ચલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન કેતન પટેલ, APMCના વાઈસ ચેરમેન હર્ષદભાઈ, સિંચાઈ વિભાગના અધિક ઈજનેર એસ.બી. દેશમુખ, અગ્રણી કિશનભાઈ, સિંચાઈ વિભાગના અધિકારી-કર્મચારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.




