તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન સુરતના અડાજણ ખાતે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ના ઉદ્દેશ્યથી ‘સરસ મેળો-૨૦૨૫’ યોજાશે
તા.૬ઠ્ઠીએ સરસ મેળાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ ખૂલ્લો મૂકશે
૧૫૦ જેટલા મહિલા જૂથોના સ્ટોલ હશે; જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ
હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે
ગ્રામીણ મહિલાઓને વૈશ્વિક પ્લેટફોર્મ આપતો સરસ મેળો: હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોની કલાકારીગરીને માણવા અને પ્રોત્સાહિત કરવા સુરતીઓને અનુરોધ
બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ, બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે સુરતના અડાજણ ખાતે તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે ‘સરસ મેળો–૨૦૨૫(Saras Mela-2025) યોજાશે. તા.૬ઠ્ઠીએ સાંજે ૬.૦૦ વાગ્યે સરસ મેળાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવશે. તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના ૧૫૦ જેટલા સ્ટોલ હશે, જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ ઉભા કરાશે. બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ, બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે.
ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ સરસ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ, અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ, તેલગાણાંની પોચમપલ્લી, હેન્ડલૂમ, આંધ્રપ્રદેશની કલમકારી આર્ટ પેઇન્ટીંગ ઉત્તરપ્રદેશની હેન્ડલૂમ બેટશીટસ, કેરલાનું કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલોપુરી ચંપલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. તેમજ ૧૫ લાઈવ ફૂડ સ્ટોલ રહેશે, જેમાં ગુજરાતના ૧૦ અને હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર,પંજાબ, હરિયાણા રાજસ્થાન આ તમામ રાજ્યના એક એક સ્ટોલ કુલ ૫ સ્ટોલ રહેશે, જેમાં અવનવી મિલેટસ અને ટ્રેડીશનલ ફૂડનો લ્હાવો માણવા મળશે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. બી. પ્રજાપતિ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
.
સરસ મેળાના અવનવા આકર્ષણો:-
થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાની ગાથાઓ અને તેમની કલાકારીગરીનું પ્રદર્શન
કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે.





