સુરતના વેસુ ખાતે ૨૫મી જાન્યુ- ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ (NVD-2025)ની ઉજવણી

SHARE:

સુરતના વેસુ ખાતે ૨૫મી જાન્યુ- ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ (NVD-2025)ની ઉજવણી
 
એલ.પી.સવાણી એકડેમી-વેસુ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ કાર્યક્રમ યોજાયો
 
‘જાગૃત મતદારોએ મતાધિકારનો અચૂક ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કરતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે. જે. રાઠોડ
ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિન એટલે કે, ૨૫મી જાન્યુઆરી ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ (નેશનલ વોટર્સ ડે) તરીકે ૨૦૧૧થી દર વર્ષે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે. જે. રાઠોડની ઉપસ્થિતિમાં એલ.પી.સવાણી એકડેમી-વેસુ ખાતે ‘મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ’ની થીમ પર ૧૫મા જિલ્લા કક્ષાના ‘રાષ્ટ્રીય મતદાન દિન’-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડે જણાવ્યું હતું કે, આઝાદ ભારતના સંચાલન માટે ૧૯૫૦માં તા.૨૫મી જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી.
તેમણે રાષ્ટ્રીય મતદાતા દિનનું મહત્વ સમજાવી જાગૃત મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કરતા જણાવ્યું કે, પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્ર નિર્માણનો મજબુત પાયો છે. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી શબ્દો દ્વારા સ્વતંત્ર ભારતને મળેલી લોકશાહીનું ગૌરવ જાળવવા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. યુવા મતદારો પણ મતદાન પ્રત્યે જાગૃત બનીને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ શહેરી વિસ્તારમાં ઈલેક્ટર પોપ્યુલેશન (EP) રેશ્યો વધારવા હાજર સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મતદાર નોંધણી અધિકારી જી.એમ.બોરડે કહ્યું હતું કે, સમય સાથે મતદારોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે, જ્યાં મતદાર પોતાનું નામ તથા મતદાન સ્થળ સહિતની વિગતો સરળતાથી મેળવી શકે છે. સાથે જ ચૂંટણી જેવી અતિ સંવેદનશીલ પ્રક્રિયાને નિષ્પક્ષતાથી પૂર્ણ કરી લોકશાહીની ગરીમા જાળવવી સૌ મતદારોનું કર્તવ્ય છે એમ જણાવ્યું હતું. સાથે પ્રત્યેક મતદારોએ લોકશાહીના પર્વમાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.
મતદાતા જાગૃતતા દિનની ઉજવણીના ભાગ રૂપે આયોજીત કાર્યક્રમમાં ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિધાનસભાઓના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, બી.એલ.ઓ, ઈ.એલ.સી નોડલ તેમજ નાયબ મામલતદારશ્રીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવા મતદાર મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત જીલ્લા કક્ષાએ આયોજિત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. ૧૮માં વર્ષમાં પ્રવેશતા નવા નોંધાયેલા યુવા મતદારોને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના હસ્તે એપિક કાર્ડનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે માંડવી મતદાર નોંધણી અધિકારીશ્રી પી.સી. પટેલ, ચોર્યાસી મામલતદારશ્રી નિરવ પારિતોષ, પલસાણા મામલતદારશ્રી એમ.વી. પટેલ, ચૂંટણી મામલતદારશ્રી સોનલબેન દેસાઈ, ERO, AERO, નાયબ મામલતદારો, નોડલ ઓફિસરો, બીએલઓ , સુપરવાઈઝર સહિત નવા મતદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક ‘મતદાતા પ્રતિજ્ઞા’ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!