વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હસ્તે નોટીફાઈડ ફંડ યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના કવાસ, મોરા, દામકા અને હજીરા ગામોમાં રૂા.૨૫.૧૨ કરોડના ખર્ચે ૨૪ વિકાસકામોનું ખાતમુહૂર્ત

SHARE:

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હસ્તે નોટીફાઈડ ફંડ યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના કવાસ, મોરા, દામકા અને હજીરા ગામોમાં રૂા.૨૫.૧૨ કરોડના ખર્ચે ૨૪ વિકાસકામોનું ખાતમુહૂર્ત
 
હજીરા કાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા નવતર પ્રયોગરૂપે ૧૭ સ્થળોએ ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ કાર્યરત: વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
 
સુવાલી બીચના વિકાસ માટે રૂ.૫૦ કરોડની મંજૂરી મળવાથી ભવિષ્યમાં સ્થાનિક લોકોને વધુ રોજગારીના અવસર મળશેઃ ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના હજીરા નોટીફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામોમાં નોટીફાઈડ ફંડ યોજના હેઠળ રૂા.૨૫.૧૨ કરોડના ખર્ચે મંજૂર થયેલા ૨૪ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ચોર્યાસી તાલુકાના હજીરા નોટીફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ ગામે રૂા.૫.૯૯ કરોડના ખર્ચે પાંચ કામો, મોરા ગામે રૂા.૯.૩૦ કરોડના ખર્ચે નવ કામો, દામકા ખાતે રૂા.૨.૩૫ કરોડના ખર્ચે નવ કામો અને હજીરા ખાતે રૂા.૭.૪૮ કરોડના ખર્ચે એક કામનું મળી કુલ રૂા.૨૫.૧૨ કરોડના ૨૪ વિકાસકામો ખાતમુહૂર્ત કરાયું હતું.
મોરા કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજીરા વિસ્તારમાં અવિરત વિકાસના કામો થઈ રહ્યાં છે. હજીરા વિસ્તારમાં ઉદ્યોગો પ્રસ્થાપિત થવાથી સ્થાનિક લોકોને રોજગારી મળી છે અને ઉદ્યોગકારોના સહયોગથી આસપાસના ગામોના વિકાસ કાર્યોમાં પણ વધારો થયો છે.
વધુમાં તેમણે કહ્યું કે, હજીરા કાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા નવતર પ્રયોગરૂપે ૧૭ સ્થળોએ ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ લોકોની પાણીની સમસ્યા નિવારવામાં ઉપયોગી સાબિત થયો છે અને હજીરા વિસ્તારના સ્થાનિક લોકો માટે મીઠું પાણી સરળતાથી ઉપલબ્ધ થયું છે. ઉપરાંત હજીરા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉકેલવા માટે ૫૮ કરોડના ખર્ચે સિંચાઈ યોજના મંજૂર કરવામાં આવી છે, જેનાથી મીઠું પાણી ઉપલબ્ધ થશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ, મધ્યમવર્ગીય, વંચિત નાગરિકને પાકું ઘર મળી રહે માટે દેશના નાગરિકો માટે સમગ્ર દેશમાં ૪ કરોડ પીએમ આવાસો આપ્યા છે. આવનારા સમયમાં વધુને વધુ આવાસો બનાવવાનું સરકારનું આયોજન છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે, હજીરા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો ચાલી રહ્યા છે. ઉદ્યોગો ધરાવતા આ વિસ્તારમાં કામદારોની સુવિધાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મગદલ્લાથી હજીરા રોડ પર ૨૦ કરોડના ખર્ચે લાઇટિંગની યોજના મંજૂર કરવામાં આવી છે. સુવાલી બીચ ફેસ્ટિવલમાં અંદાજે ૩ લાખ લોકો હાજર રહ્યા હતા, જેનાથી અનેક લોકોને રોજગારીની તક મળી. સુવાલી બીચના વિકાસ માટે રૂ.૫૦ કરોડની મંજૂરી મળવાથી ભવિષ્યમાં સ્થાનિક લોકોને વધુ રોજગારીના અવસર મળશે.
આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન વાંઝવાલા, જિ. પંચાયતના સભ્યો, મોરા સરપંચ ભરતભાઇ પટેલ, વિવિધ ગામના સરપંચો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!