પોષણ અભિયાન હેઠળ ત્રણ યોજનાઓ હેઠળ પોષણયુકત આહાર મેળવતા રશ્મીબેન ટેલર
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર-ર૦ર૩ દરમિયાન ૬ઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની આ વર્ષની થીમ “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે, ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણયુક્ત આહાર-સપ્લિમેન્ટ્રી ફૂડ મળી રહે તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજના અમલી છે. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના,પોષણ સુદ્યા યોજના તથા દુધ સંજીવની યોજના હેઠળ ઓલપાડ ગામના ઝાપા ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય લાભાર્થી સગર્ભા રશ્મીબેન ટેલર અને તેમના ગર્ભસ્થ શિશુને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.
લાભાર્થી સગર્ભા રશ્મીબેન ટેલરે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવિધ યોજના હેઠળ ઓલપાડ આંગણવાડી કેન્દ્રથી દર મહિને પોષક આહારના ૪ માતૃશક્તિ પેકેટ આપવામાં આવે છે. જેમાં બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણશક્તિ આહારમાં મકાઈ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, સોયાબીન, ખાંડ, તેલ સહિતની પોષક તત્વો સાથે આટા સ્વરૂપે ખાદ્ય સામગ્રી હોય છે. જેમાં જુદા જુદા પ્રકારના મલ્ટીવિટામિન્સ, કાર્બોદિત પદાર્થો તેમજ ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. ઉપરાંત, આયર્ન અને આયોડિનયુક્ત ડબલ ફોર્ટીફાઈડ સત્વ મીઠાનું પેકેટ પણ આપવામાં આવે છે. આ આહારના સેવનથી માતા અને ગર્ભસ્થ શિશુને પોષણ મળે છે. હું આંગણવાડીની બહેનોના માર્ગદર્શન હેઠળ માતૃશક્તિ પેકેટમાંથી સુખડી, શીરો, પુડા (ભાજી), ઢેફલી, થેપલા જેવી સ્વાદિષ્ટ પોષણયુકત વાનગીઓ બનાવું છું, અને નિયમિતપણે આરોગું છું.
રશ્મીબેન વધુમાં જણાવે છે કે, આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તેમજ ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સરકારની પોષણ સુદ્યા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. ઉપરાંત દુધ સંજીવની યોજના હેઠળ દર બુધવાર અને શુક્રવારના રોજ ૨૦૦ એમએલ દુધનું અલગ અલગ ફેલેવરનું પેકેટ આપવામાં આવે છે. જેનાથી શરીરને પોષણયુકત પોષકતત્વો મળી રહે છે. સરકારની યોજના થકી મારા જેવી અનેક સગર્ભા મહિલાઓને પોષણ યુક્ત આહાર મળી રહ્યો છે એ બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. સરકારની આ યોજના જનજનસુધી પહોંચે તે માટે મારા જેવી દરેક સગર્ભા મહિલાઓને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.


