ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનારી ૨૪૧ શાળાઓના આચાર્યોનું શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સન્માન કરાયું.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર કુલ ૨૪૧ શાળાઓના આચાર્યોનું શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સન્માન કરાયું હતું. આ અવસરે શ્રી ડી. એસ. પટેલ, શ્રી જયેશ પટેલ, શ્રી અરુણકુમાર અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધોરણ ૧૦ (SSC) માં ૯૯, ધો.૧૨( સામાન્ય પ્રવાહ ) માં ૧૩૪ અને ધો.૧૨ ( વિજ્ઞાનપ્રવાહ ) માં ૮ મળી ૨૪૧ શાળાઓના આચાર્યોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.
આ અવસરે શિક્ષણમંત્રીશ્રીએ શિક્ષકોના સમર્પણ અને મહેનત બદલ સૌના સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે શિક્ષણ સમુદાયને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા અને રાજ્યની શૈક્ષણિક સિદ્ધિઓમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી. શિક્ષણ ક્ષેત્રમાં વધુ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્કૃષ્ટ વિચાર તરીકે બિરદાવી અને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવા સકારાત્મક અભિગમ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રના નિર્માણ માટે ઉત્તમ નાગરિકોના નિર્માતાઓ અને સમાજના ઘડવૈયા એવા શિક્ષકોને શ્રેષ્ઠ પ્રદાન માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર, શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો, વહીવટકર્તાઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.





