રાષ્ટ્રને ગ્રીન અને રીન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભર બનાવવામાં જિલ્લા પંચાયતનું આગવું યોગદાન
સુરત જિલ્લા-તાલુકા પંચાયતની કચેરીઓ તથા પંચાયતઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવીને વર્ષ દહાડે કરોડોની બચત
સુરત જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયતો તથા ૧૩૨ ગ્રામ પંચાયતો પર સોલાર રૂફટોપ પેનલો લગાવવામાં આવી છે
૧૮ ગ્રામ પંચાયતોને સોલાર પેનલ લગાવવાની મંજૂરી: ગ્રામ્ય સ્તરે અક્ષય ઊર્જાનો વધશે ઉપયોગ
રાષ્ટ્રને ગ્રીન અને રીન્યુએબલ એનર્જી તરફ આગળ વધારવાના ભાગરૂપે સુરત જિલ્લા પંચાયતની આગવી પહેલ અંતર્ગત દરેક પંચાયતોની બિલ્ડીંગ પર સોલાર પેનલ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રને ગ્રીન અને રીન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભર બનાવવામાં જિલ્લા પંચાયત પણ આગવું યોગદાન આપી રહી છે.
સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરીને પંચાયત હસ્તકની જિલ્લા-તાલુકા-પંચાયતની બિલ્ડીંગોની છત પર સોલાર રૂફટોપની સીસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં સુરત જિલ્લા પંચાયતમાં ૨૦૦ KW, તાલુકા પંચાયતોમાં ૧૫ KW, ગ્રામ પંચાયતો પર ૩ કિલોવોટની ક્ષમતાની સીસ્ટમ લગાવવામાં આવી રહી છે. જેના પરિણામે ગ્રીન એનર્જી દ્વારા વીજ ઉત્પાદનની સાથે પર્યાવરણને ફાયદારૂપ થાય છે પરિણામે વીજ બિલમાં બચત થાય છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં વપરાશથી વધુ સોલાર દ્વારા વીજ ઉત્પાદન વધી રહ્યું છે જેનાથી આવક વધી રહી છે. પંચાયત વિભાગ પણ ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે. આગામી દિવસોમાં વધુમાં વધુ બિલ્ડીંગો પર સોલાર રૂફટોપ પેનલ ઈન્સ્ટોલ કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું.
સુરતની સાત તાલુકા પંચાયતોમાં સોલાર રૂફ ટોપ પેનલ ઈસ્ટોલ કરવામાં આવી છે જયારે માંડવી અને ઉમરપાડા એમ બે તાલુકા પંચાયત પર રૂફ ટોપ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરતની ૧૩૨ ગ્રામ પંચાયતો પર ૩ KW ક્ષમતાવાળા સોલાર રૂફ ટોપ લગાવવામાં આવ્યા છે. બીજી ૧૮ ગ્રામ પંચાયત ભવન પર સોલાર રૂફ ટોપ લગાવવા માટેની મંજુરી આપવામાં આવી છે. આમ, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયતો પર કુલ ૧૪૦ સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરાયા છે, જેમાં ૧૫મા નાણાપંચ, જિલ્લા પંચાયત સ્વભંડોળમાં જોગવાઈ કરવામાં આવી છે. સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાંટ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી ૨૦ % ગ્રાંટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
બારડોલી તાલુકાના કરચકા ગ્રામ પંચાયતના એપ્રિલ-મે-૨૪ ના વીજળીના બીલ અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ૧૨૩ યુનિટનો વપરાશ થયો હતો અને સોલાર રૂફ ટોપની મદદથી ૬૮૫ યુનિટનું ઉત્પાદન થયું હતું. પરિણામે તફાવતના ૫૬૨ યુનિટના રૂ.૯૮૩.૫૦ અને પાછલા બીલની ક્રેડિટના રૂ. ૩,૪૦૭.૫૧ મળી કુલ રૂ.૪,૩૪૧ ગ્રામ પંચાયતના બિલમાં વીજળીના જમા રહેલ છે.
આમ, સોલાર રૂફ ટોપ લગાવવાથી પંચાયતોના વીજબીલની બચત થશે. ગ્રામ્ય સ્તરે અક્ષય ઊર્જાનો ઉપયોગ વધશે આ ઉપરાંત, ગ્રામ પંચાયતોમાં વીજળીનો વપરાશ ઓછો થાય અને સોલાર રૂફટોપની મદદથી ઉત્પાદન વધારે થાય તો વીજકંપની તેનું વળતર આપશે. આ વળતરથી પંચાયતોની આવકમાં વધારો થશે અને પંચાયતના ભંડોળમાં વધારો થશે, જેનો ઉપયોગ ગામની સુખસુવિધા વધારવામાં થઈ શકશે.





