સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત ખેલમહાકુંભમાં ભાગ લેવા અનુરોધ
ખેલ મહાકુંભ ૩.૦ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૬:૦૦ સુધી કરી શકાશે
નિયત વયજુથમાં તમામ ખેલાડીઓ ફરજીયાત https://khelmahakumbh.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
સુરત શહેરમાં ૯૭,૪૭૨ અને સુરત ગ્રામ્યમાં ૬૮,૬૬૨ ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન કક્ષાનું આયોજન જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા ખાતે કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચુકયું છે. સુરત શહેરમાં ૯૭,૪૭૨ અને સુરત ગ્રામ્યમાં ૬૮,૬૬૨ ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરેક ખેલાડીઓ એક જિલ્લામાંથી બે રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં એકથી ત્રણમાં આવનાર રમતવીરોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ માટેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૬:૦૦ સુધી કરી શકાશે. ખેલમહાકુંભની વિવિધ રમતોનો આગામી તા.૪મી જાન્યુઆરીએ પ્રારંભ થશે.
ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજુથમાં તમામ ખેલાડીઓ દ્રારા ફરજીયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવાથી માર્ગદર્શન મળી રહેશે.





