માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

SHARE:

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪: માંડવી -જિ.સુરત
 
માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
 
પરંપરાગત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાને ફળદ્રુપ બનાવી વધુ આવક મેળવી શકાય છે: આદિજાતિ રાજ્ય મંત્રી
 
કૃષિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ મંજૂરીહુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં યોજાઇ રહેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મંત્રી અને અન્ય મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું.
નગરપાલિકા મેદાનમાં આયોજિત મહોત્સવમાં મંત્રીશ્રી હળપતિએ જણાવ્યું કે, રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી હોય ખેડૂતોને ઇકો-ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો પણ ઓછો થતો હોવાથી ખેડૂતોને વધુ આવક મળી રહેશે એમ જણાવ્યું હતું.
ઉપરાંત તેમણે રાજ્ય સરકારે જાહેર કરેલા પાક નુકસાની અંગેના પેકેજ બાબતે ટકોર કરતા કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ પેકેજનો લાભ પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી, જેથી ખેડૂતોએ સમયસર i-khedut પોર્ટલ પર નોંધણી કરાવી માત્ર કૃષિ રાહત પેકેજ સિવાયની અન્ય ખેડૂતલક્ષી યોજનાઓનો પણ પૂરતો લાભ લેવો જોઈએ એમ જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂકી મંત્રી અને મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ દ્રવ્યો અંગે જાણકારી મેળવી હતી.
વધુમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, જુવાર સંશોધન કેન્દ્ર-સુરતના પ્રો. એન.વી. રાદડીયાએ મિલેટ્સ પાકોમાં મૂલ્યવર્ધન, ડૉ. કે.જી. કણઝારિયાએ કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા, પ્રોફેસર એ.આર.પટેલે બાગાયતી પાકો સાથે મિક્ષ ફાર્મિંગ અંગે ઉપસ્થિત ખેડૂતોને વિગતે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ ગામીત, વાલજીભાઈ ચૌધરી અને આશાબેન ચૌધરીએ પણ તેમના કૃષિ અંગેના અનુભવો ઉપસ્થિત ખેડૂતો સામે વ્યકત કર્યા હતા. આ વેળાએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતાં જીલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. ગામીતે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધિ મદદનીશ ખેતી નિયામક એચ. સી. ગામીતે આટોપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!