કામરેજ તાલુકાના સેવણી ગામે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

SHARE:

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪: કામરેજ-જિ.સુરત
 
કામરેજ તાલુકાના સેવણી ગામે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
 
રાજ્ય સરકારના કૃષિ મહોત્સવના પરિણામે કૃષિ ઉત્પાદન અનેકગણુ વધ્યું છેઃ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રેખાબેન પટેલ

ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાયના મંજૂરીપત્રો, આયુષ્માન કાર્ડ તેમજ મહિલા ખેડૂતોને માતૃશક્તિ પોષક આહારનું વિતરણ
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કામરેજ તાલુકાના સેવણી ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રેખાબેન પટેલના હસ્તે બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકાયો હતો. જેમાં વિવિધ ૨૨ સ્ટોલ દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશો, રસાયણ વિનાની દવાઓ, પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતા તેમજ ખેતરમાં વપરાતા વિવિધ સાધનોનું પ્રદર્શન યોજાયું હતું. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીના વિવિધ સહાયના મંજૂરીપત્રો, આયુષ્માન કાર્ડ તેમજ મહિલા ખેડૂતોને માતૃશક્તિ પોષક આહારનું વિતરણ કરાયું હતું. તા.૭મી સુધી ખેડૂતો મહોત્સવની મુલાકાત લઈ શકશે.
સેવણીના રામજી મંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં રેખાબેને પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા થાય અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. કૃષિ મહોત્સવ, વિવિધ યોજનાઓ અને ખેડૂતોની જાગૃત્તિના કારણે રાજ્યનું ખેત ઉત્પાદન વધ્યું છે. ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લઈને આર્થિક સમૃધ્ધિ તરફ અગ્રેસર બને તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
આ અવસરે કૃષિ વૈજ્ઞાનિક ડો.વી.એ.પાટીલે મિલેટ્સ પાકોમાં મૂલ્યવર્ધન વિશે માહિતી આપી જુવાર, રાગી, બાજરી, કાંગ, બંટી જેવા મિલેટ્સનુ મહત્વ સમજાવી ખોરાકમાં નિયમિતપણે મિલેટસને સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો. ડો.એમ.આર.સિદ્ધપરાએ કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા અંગે અને ડો.પી.બી.સંદીપને બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તથા સહકારી માળખાથી થતા ફાયદાઓ વિશે મંતવ્ય રજૂ કર્યા હતા. વિવિધ બાગાયત, ખેતીવાડી, સામાજિક વનીકરણ, આઈસીડીએસ તથા અન્ય સ્ટોલ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આ વેળાએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તા.પં. ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડીયા, તા.પં.ના પદાધિકારી સર્વશ્રી ભારતીબેન રાઠોડ, તેજલબેન મિસ્ત્રી, પુષ્પાબેન પરમાર, મંજુબેન રાઠોડ, સુમનબેન રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી વી. કે. પીપળિયા, સરપંચ અશોકભાઇ રાઠોડ, નાયબ પશુપાલન નિયામકશ્રી મયુર ભીમાણી, સુમુલના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!