ગણેશ વિસર્જન ટાણે જ ભારતમાતા પુલ પર અંધારપટ: વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ
અંબિકા/ઉમરા:
અંબિકા તાલુકામાં ગણેશ વિસર્જનના પવિત્ર પ્રસંગે જ વહીવટી તંત્રની મોટી નિષ્ક્રિયતા અને બેદરકારી સામે આવી છે. તાલુકાના ઉમરા અને હળદવા વચ્ચે અંબિકા નદી પર નવનિર્મિત ભારતમાતા પુલ ઉપર તહેવારના સમયે જ અંધારપટ છવાઈ જતાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અંબિકા તાલુકામાં સૌથી વધુ અને મોટી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અંબિકા નદી પર આવેલા મધર ઈન્ડિયા ડેમ ખાતે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જનના દિવસે મધર ઈન્ડિયા ડેમ નજીક આવેલા ભારતમાતા પુલ ઉપર દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓની ભારે જનમેદની ઉમટી પડી હતી.
સામાન્ય રીતે દરેક ગણેશ વિસર્જન સ્થળ પર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળતું હોય છે અને સુરક્ષા તેમજ પ્રકાશ માટે અગાઉથી જ આગવું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ અંબિકા તાલુકામાં ગણેશ વિસર્જન સમયે મોડી રાત્રે જ ભારતમાતા પુલ પરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી.
હજારોની ભીડ વચ્ચે પુલ પર અચાનક અંધારપટ છવાઈ જતાં શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી તેમજ અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. તહેવારના ટાણે જ વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારી સામે આવતા ઉપસ્થિત જનમેદની અને સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.



