*બારડોલી રેલવે સ્ટેશન પર ચેન્નઈથી જોધપુરના ભગત કી કોઠી વચ્ચે દોડતી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે સાંસદ પ્રભુભાઈ વસાવાની કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત
ચેન્નઈ થી જોધપુરના ભગત કી કોઠી વચ્ચે દોડતી MAS-BGKT સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૦૬૨૫ અપ અને ૨૦૬૨૬ ડાઉન)ને બારડોલી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ એન. વસાવાએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. બારડોલીમાં આ ટ્રેનને નિયમિત સ્ટોપેજ મળવાથી હજારો પ્રવાસીઓ અને શ્રમિકોને મોટી રાહત મળશે.
સાંસદશ્રીએ રેલવે મંત્રી ઉપરાંત પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ કેન્દ્રિય જળ અને જળ શક્તિ મંત્રીશ્રી સી આર પાટીલને પત્ર દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે, કડોદરા, વ્યારા, માંડવી, સોનગઢ, ઉકાઈ, વાલોડ, મહુવા, કરચેલિયા, અનાવલ, ઉનાઈ, વાંસદા, ધરમપુર, ઉચ્છલ, નિઝર, મઢી, પલસાણા, કામરેજ સહિત બારડોલી અને તેની આસપાસ ઘણા મહત્વપૂર્ણ નગરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં અંદાજે ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ રાજસ્થાની પરિવારો નિવાસ કરે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો અને કારખાનાઓ આવેલા છે, જેમાં રાજસ્થાનથી આવેલા પ્રવાસી કર્મચારીઓ અને શ્રમિકો મોટી સંખ્યામાં કાર્યરત છે. હાલમાં આ લોકોને રાજસ્થાન આવવા-જવા માટે સુરત અથવા ઉધના સ્ટેશન જવું પડે છે, જેના કારણે તેમને વધારાનો સમય અને આર્થિક બોજ સહન કરવો પડે છે.
હાલમાં આ ટ્રેન નંદુરબાર (મહારાષ્ટ્ર) થી ડાયરેક્ટ ઉધના સ્ટેશન સુધી જાય છે, ત્યારે જો બારડોલી ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તો સમગ્ર વિસ્તારની જનતા માટે તે અત્યંત ઉપયોગી અને આવશ્યક સાબિત થશે. સાંસદશ્રીએ જનહિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ અંગે યોગ્ય નિર્દેશો આપી સકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.



