કાછલ કૉલેજ ખાતે ‘રિસર્ચ મેથોડોલોજી અને ડેટા એનાલિસિસ’ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર સંપન્ન

કાછલ: સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલ ખાતે કે.સી.જી. (KCG) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ‘Research Methodology and Data Analysis’ વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકોને સંશોધન પદ્ધતિશાસ્ત્ર તથા ડેટાના વૈજ્ઞાનિક અને આંકડાકીય વિશ્લેષણ અંગે સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ સમજ પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને ઉપસ્થિત મહેમાનોના શબ્દો તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. કૉલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વ સમજાવતાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આધુનિક ડેટા એનાલિસિસની તકનીકોથી પરિચિત થવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ સેમિનારના આયોજક ડૉ. એગ્નલ રોયે હેતુ સ્પષ્ટ કરીને ઉદ્ઘાટન સત્રની આભારવિધિ કરી હતી.
સેમિનારના પ્રથમ સેશનમાં નેત્રંગ કૉલેજના પ્રા. ડૉ. મોનિકા શાહે રિસર્ચ પ્રોબ્લેમ, ઓબ્જેક્ટિવ્સ, હાઇપોથેસિસ, લિટરેચર રિવ્યૂ, રિસર્ચ ડિઝાઇન અને સેમ્પલિંગ જેવા પાયાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. દ્વિતીય સેશનમાં કૉલેજના પ્રા. ડૉ. સચિન મહેતાએ ક્વેશ્ચનરે ડિઝાઇન, પ્રાઇમરી-સેકન્ડરી ડેટા, વેરિયેબલ કોડિંગ અને ડેટા એન્ટ્રી જેવા વ્યવહારુ વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. ભોજન વિરામ બાદ તૃતીય સેશનમાં ડૉ. મોનિકા શાહે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ, મીન, મીડિયન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, ક્રોસ-ટેબ્યુલેશન અને કાઇ-સ્ક્વેર કસોટીઓ સમજાવી હતી, જ્યારે ચોથા સેશનમાં ડૉ. સચિન મહેતાએ પેરામેટ્રિક અને નોન-પેરામેટ્રિક ટેસ્ટ્સ તથા પરિણામોના અર્થઘટન અંગે માહિતી આપી હતી.
વ્યવહારુ ઉદાહરણો સાથે યોજાયેલ આ સેમિનાર સહભાગીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક રહ્યો હતો અને અંતમાં સૌને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આયોજક તરીકે ડૉ. સચિન મહેતા અને ડૉ. એગ્નલ રોય રહ્યા હતા, જ્યારે સંચાલન ડૉ. પ્રવીણ સલિયા અને આશા ઠાકોરે કર્યું હતું. સમગ્ર કૉલેજ પરિવારના સાથ-સહકારથી આ રાજ્યકક્ષાનો સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.



