કાછલની સરકારી કોલેજમાં ‘સંસ્કૃત સપ્તાહ’નો ભવ્ય પ્રારંભ: ગૌરવ યાત્રા યોજાઈ
કાછલ (મહુવા):
મહુવા તાલુકાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ (જી. સુરત) ખાતે સપ્તાહ વ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ’ ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.
સપ્તાહના પ્રથમ દિવસે કોલેજ કેમ્પસમાં ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશભાઈ ચૌધરી, IQAC કો-ઓર્ડીનેટર ડૉ. કૈલાસબેન ચૌધરી, અધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના જતન અર્થે સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ તથા સામૂહિક સુભાષિત પાઠ દિવસ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સંસ્કૃત સપ્તાહનું સંચાલન અને આયોજન સંસ્કૃત વિભાગના અધ્યાપકો પ્રા. ચેતના બી. પટેલ, પ્રા. ડૉ. કીર્તિભાઈ પટેલ તથા પ્રા. તેજલબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રીએ સંસ્કૃત વિભાગ અને તમામ સંસ્કૃત અનુરાગીઓને આ આયોજન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.



