પોષણ ઉત્સવ 2026 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ; પુના ગામની બંને આંગણવાડી વિજેતા બની

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પોષણ ઉત્સવ 2026’ અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) કચેરી મહુવા ઘટક-2 હેઠળના વલવાડા સેજામાં આવેલી 30 જેટલી આંગણવાડીઓમાં ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સ (ધાન્ય) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાનગી સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને સરકારી યોજના હેઠળ મળતા ટેક હોમ રાશન તેમજ પૌષ્ટિક ધાન્યનો રોજિંદા ખોરાકમાં શ્રેષ્ઠ ઉપયોગ થાય તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. સ્પર્ધામાં વલવાડા સેજાની તમામ આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી અત્યંત સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી હતી.આ તીવ્ર હરીફાઈ વચ્ચે અંબિકા તાલુકાના પુના ગામની બંને આંગણવાડીઓએ પોતાની શ્રેષ્ઠ પૌષ્ટિક વાનગીઓ અને પ્રસ્તુતિ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. પુના ગામની બંને આંગણવાડીઓની આ
સફળતા બદલ વલવાડા સેજા તેમજ મહુવા ઘટક-2 ના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અંબિકા તાલુકા પ્રમુખ શિલ્પા બેન ,કારોબારી અધ્યક્ષ રેખા બેન શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા



