લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ: સુરતમાં અનાવલ પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો
7 વર્ષ સુધી પ્રેમસંબંધ બાંધી શારીરિક સંબંધ બાંધ્યા, બાદમાં ભોગ બનનાર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી
સુરત,અંબિકા:–સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે વિશ્વાસઘાત અને શારીરિક શોષણ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અનાવલ પોલીસે 28 વર્ષીય યુવક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના માછીસાડડા ગામની 26 વર્ષીય યુવતી દ્વારા અનાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વલવાડા ગામના ગામતળ ફળિયામાં રહેતા શ્રેયશભાઈ હિતેશભાઈ પટેલ (ઉ.વ.28) નામના યુવકે છેલ્લા સાત વર્ષથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને પોતાના પ્રેમમાં રાખી ‘હું તારી સાથે લગ્ન કરીશ’ તેવો દ્રઢ વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.અને યુવતીને અવારનવાર જુદી જુદી જગ્યાઓએ ફરવા લઈ જતો હતો અને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
લાંબા સમય સુધી યુવતીનું શોષણ કર્યા બાદ તાજેતરમાં આરોપી શ્રેયશ પટેલે યુવતી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. યુવકે યુવતીનો વિશ્વાસ તોડી તેની સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા આખરે પીડિત યુવતીએ હિંમત દાખવી અનાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે. સી. પારગી દ્વારા હાથ ધરવામાં આવી હતી.



