સનાતન કન્યા વિદ્યાલય, આંગલધરાની દીકરીઓ SGFI રમતોત્સવમાં ઝળકી: 32 ખેલાડીઓએ બતાવ્યો દમ, U-17 કબડ્ડીમાં તાલુકા કક્ષાએ પ્રથમ
અનાવલ :
અંબિકા તાલુકાના આંગલધરા સ્થિત શ્રી સનાતન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં યોજાયેલા એસ.જી.એફ.આઈ. (SGFI) શાળાકીય રમતોત્સવમાં ઉત્કૃષ્ટ અને ઝળહળતું પ્રદર્શન કરીને સમગ્ર વિસ્તારમાં શાળાનું નામ રોશન કર્યું છે. રમતોત્સવ દરમિયાન યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં શાળાની કુલ ૩૨ ખેલાડી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની અદભુત રમતગમત પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
આ શાળાકીય રમતોત્સવમાં દોડ, ગોળાફેંક, ચક્રફેંક, કબડ્ડી તેમજ ખો-ખો જેવી વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન કન્યા વિદ્યાલયની ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વર્ગ-૧૭ (અંડર-૧૭) કબડ્ડી સ્પર્ધામાં શાળાની ટીમે અદભુત તાલમેલ અને કૌશલ્ય દાખવીને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ઉપરાંત વ્યક્તગત સ્પર્ધાઓમાં પણ શાળાની વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી. વર્ગ-૧૪ દોડ સ્પર્ધામાં વ્રુત આર. હળપતિએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે વર્ગ-૧૪ ગોળાફેંક સ્પર્ધામાં રીયા એ. ઉધાર પ્રથમ ક્રમે રહીને બાજી મારી હતી. તેમજ વર્ગ-૧૭ ચક્રફેંક સ્પર્ધામાં સિદ્ધિ ડી. ચૌધરીએ શ્રેષ્ઠ થ્રો સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ખેલાડી દીકરીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ઉમા માતેશ્વરી, શાળાના આચાર્ય અજયભાઈ પટેલ તથા સમગ્ર શિક્ષકગણે તમામ વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની તેજસ્વી કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.



