સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ ખાતે રાજ્યકક્ષાનો ‘આદિવાસી લોકસાહિત્ય વિમર્શ’ સેમિનાર યોજાયો
આદિવાસી સંસ્કૃતિના જતન અને સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી કછલ કોલેજના ગુજરાતી વિભાગ અને KCG દ્વારા વિશેષ આયોજન
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ,કાછલ ખાતે ગુજરાતી વિભાગ તથા Knowledge Consortium of Gujarat (KCG) ના ‘રિસર્ચ એન્ડ ઇનોવેશન’ પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો ‘આદિવાસી લોકસાહિત્ય વિમર્શ’ સેમિનાર સફળતાપૂર્વક યોજી દેવાયો હતો. આયોજનનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને લોકસાહિત્યથી પરિચિત થાય તેમજ ક્ષેત્રમાં આગળ સંશોધન કરવા પ્રેરાય તે રહ્યો હતો.
આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. રાકેશ યુ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત શ્રી ડાહ્યાભાઇ વાઢુએ ‘ડાંગી રામાયણ’ વિષય પર પોતાનું બહુમૂલ્ય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ડાંગી રામાયણના પ્રારંભ, આદિવાસી ગેકોની પરંપરા, તેના સંગીત તેમજ મૂળ કથા અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
અન્ય વક્તા પ્રો. ડૉ. વિક્રમ ચૌધરીએ દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્ય અને સંગીત વિશે સચિત્ર પ્રેઝન્ટેશન, વિડિયો અને PPT ના માધ્યમથી વિગતવાર સમજ આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રા. ડૉ. પ્રવીણ સલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ આચાર્ય ડૉ. રાકેશ યુ. ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા. ડૉ. આશા ઠાકોરે કર્યું હતું, જ્યારે અંતમાં પ્રા. ડૉ. ધનસુખ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાના સેમિનારમાં ભાષા અને સાહિત્ય વિષયના તમામ અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



