સરકારી કોલેજ કાછલમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
સુરત, મહુવા:-સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તથા સરકારી બી. એડ. કોલેજ, કાછલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૮ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આદિજાતિ વિસ્તારમાં આવેલી આ કોલેજના વિદ્યાર્થીઓ આદિવાસી સમાજની પરંપરા, સભ્યતા, રૂઢિ અને સમૃદ્ધ સંસ્કૃતિથી વધુ પરિચિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાકેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદેથી બોલતા ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાએ આદિવાસી સમાજના યુવાનો અને નાગરિકોને વ્યસનમુક્ત બની સમાજના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. જ્યારે પ્રિન્સિપાલ ડૉ. રાકેશ ચૌધરીએ કોલેજના વિકાસ તથા નવા બિલ્ડિંગના નિર્માણમાં સહયોગ બદલ ધારાસભ્યશ્રી અને સમગ્ર રાજકીય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉજવણી અંતર્ગત આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ૮ જેટલી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સામૂહિક નૃત્યમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અંબિકા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ગુંજન શાહ વિશેષ ઉપસ્થિતિ તરીકે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ડૉ. પ્રવીણ સલિયા અને પ્રો. ડૉ. આશા ઠાકોરે કર્યું હતું, જ્યારે અંતમાં ડૉ. કૈલાશબેન ચૌધરીએ આભારવિધિ આટોપી હતી.



