મહુવામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ

SHARE:

મહુવામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ

 

મહુવામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ: અંધારામાં રાખીને ખેડૂત પ્રતિનિધિ નક્કી કરવાની મીટિંગ સામે આવેદનપત્ર પાઠવાયું
​મહુવા સુરત
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ટ્રાન્સમિશન લાઈન અને ટાવરો ઊભા કરવાના કામગીરી દરમિયાન જમીન, પાક તથા ફળાવ વૃક્ષોના થયેલા નુકસાનના વળતર માટે યોજાયેલી માર્કેટ રેટ કમિટી (MRC)ની મીટિંગ સામે અસરગ્રસ્ત ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે. મહુવા તાલુકા ખેડૂત સમાજ અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મહુવા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને લેખિત આવેદનપત્ર આપીને પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
​અંધારામાં રાખીને નિર્ણય લેવાનો આક્ષેપ
​મહુવા તાલુકા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠક અંગે ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈન કે ટાવર પસાર થઈ રહ્યા છે તેવા મૂળ અસરગ્રસ્ત જમીન માલિકો અને ખાતેદારોને આ મીટિંગ અંગે કોઈ વિધિવત કે સીધી જાણ કરવામાં આવી નહોતી. ખેડૂતોને અંધારામાં રાખીને અને તેમની ગેરહાજરીમાં ‘માર્કેટ રેટ કમિટી’ માટે ખેડૂત પ્રતિનિધિની પસંદગી કરવી તદ્દન અન્યાયી અને ગેરવ્યાજબી છે.
​ઉર્જા વિભાગના ઠરાવનો પણ વિરોધ
​ખેડૂત સમાજ દ્વારા અગાઉ તા. 18/07/2026 ના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા.04/07/2026 ના ઠરાવને રદ કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં અસરગ્રસ્ત ખેડૂતોની સીધી સંમતિ વિના જ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી હોવાનો ખેડૂતોએ વિરોધ કર્યો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ:
​જમીન અને પાકના નુકસાનનું યોગ્ય અને ન્યાયી વળતર નક્કી કરવામાં આવે.
​કમિટીમાં પ્રતિનિધિ નક્કી કરતી વખતે મૂળ અસરગ્રસ્ત ખેડૂતોને સીધી જાણ કરવામાં આવે અને તેમની હાજરીમાં જ પારદર્શક રીતે નિર્ણય લેવાય.
​ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતા નિર્ણયો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
​અસરગ્રસ્ત ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે અને એકતરફી નિર્ણયો લાદવામાં આવશે, તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!