પૂર્ણા નદી મહાદેવના શરણોમાં! વડીયા પુરણેશ્વર મંદિરથી અલૌકિક દ્રશ્ય 🌊 મહાદેવ
પૂર્ણા નદીના રૌદ્ર રૂપ વચ્ચે ભક્તિમય દ્રશ્ય: વડીયાના ઐતિહાસિક પુરણેશ્વર મહાદેવના ચરણ પખાડવા માં પૂર્ણાં આતુર બની મંદિર પરિસરમાં પ્રવેશી!
મહુવા:
ઉપરવાસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ધસમસતા પ્રવાહ અને ઘોડાપૂરના પગલે સમગ્ર પંથકમાં એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.
દરમિયાન,મહુવા તાલુકાના વડીયા ગામે આવેલા અતિ પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન પુરણેશ્વર મહાદેવ મંદિરમાંથી એક અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય સામે આવ્યું છે. ઉછાળા મારતા પૂર્ણા નદીના પવિત્ર જળ સીધા શિવાલય પરિસરમાં પ્રવેશી ગયા હતા.
નદીના વિરાટ અને રોદ્ર રૂપ વચ્ચે પણ આ દ્રશ્ય જોઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. જાણે સાક્ષાત્ ‘માં પૂર્ણાં’ દેવાધિદેવ મહાદેવના ચરણ પખાડવા અને અભિષેક કરવા માટે આતુર થઈને દોડી આવી હોય તેવા નયનરમ્ય અને ભક્તિમય દ્રશ્યો સર્જાયા હતા.પાણીના સતત વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.





