SHARE:

નવસારી વાંસકુઈ હાઇવે પર બામણિયા ગામ નજીક લક્ઝરી બસ રોડ નીચે ઉતરી: મોટી દુર્ઘટના ટળી, મુસાફરોનો આબાદ બચાવ
​નવસારી,

રવિવાર:વરસાદી માહોલ વચ્ચે નવસારી વાંસકુઈ હાઇવે પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ હતી.નવસારીથી અંબિકા તાલુકાને વાંસકુઈ સાથે જોડતા આ મુખ્ય માર્ગ પર બામણિયા ગામની સીમમાં એક લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી. સદનસીબે રોડ કિનારે આવેલા વીજ પોલ (ઇલેક્ટ્રિક થાંભલા) સાથે બસ અથડાતાં પહેલાં જ અટકી જતાં એક મોટો અકસ્માત ટળ્યો હતો અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
​પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશ પાસિંગની લક્ઝરી બસ (નંબર: MP.13.ZX.9279) વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન અચાનક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો,જેના કારણે બસ સીધી રોડની નીચે ખાડા જેવા ભાગમાં ઉતરી ગઈ હતી. બસ જ્યાં અટકી તેની તદ્દન નજીક જ એક હાઇવોલ્ટેજ વીજ પોલ આવેલો હતો.જો બસ આ વીજ પોલ સાથે અથડાઈ હોત તો મોટો કરંટ લાગવાની કે મોટી દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના હતી,પરંતુ સમયસર બસ થોભી જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.​ઘટના વહેલી સવારે બની હોવાને કારણે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ક્રેન અને જેસીબી (JCB) મશીન બોલાવવામાં આવ્યા હતા. હાલમાં આ ભારે વાહનોની મદદથી રોડ નીચે ઉતરી ગયેલી લક્ઝરી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!