ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પર્વે નવી સિવિલમાં ૯૫મુ સફળ અંગદાન.

SHARE:

ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પર્વે નવી સિવિલમાં ૯૫મુ સફળ અંગદાન: મૂળ રાજસ્થાનના ૪૩ વર્ષીય વિરસિંગભાઇ મૈદાના લીવર અને બે કિડનીના દાનથી ૩ને નવજીવન

સુરતઃ ગુરુવાર:ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૯૫મુ સફળ અંગદાન નોંધાયું હતું. મૂળ રાજસ્થાન, કોટડાના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા કડીયાકામ કરતા ૪૩ વર્ષીય વિરસિંગભાઇ પીઠાભાઈ મૈદાના લીવર અને ૨ કિડનીના દાનથી ૩ વ્યક્તિઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા:૧૨મીએ સાંજે ૫:૩૦ કલાકે મસ્તક ગલીમાં કડીયા કામ કરતી વેળાએ વિરસિંગભાઇ અચાનક સંતુલન ગુમાવીને નીચે પાવરની ડીપી પર પડતાં ઇલેકટ્રીક કંરટ લાગવાથી બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર માટે નજીકના દીનબંધુ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે તા.૧૩મીએ રાત્રે ૧૦:૩૨ વાગ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં તેમની હાલત નાજુક જણાતાં આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરાઈ હતી. તા.૧૫મીએ ૪:૨૪ વાગ્યે આર.એમ.ઓ. ડૉ કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં.
ડૉ.નિલેશ કાછડીયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડેએ વિરસિંગભાઇના પત્ની સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. રાત્રે ૧૨.૦૦ વાગ્યે અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામા, ઇકબાલ કડીવાલા કાઉન્સેલર જયેશ દાફડા, ઇકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફના પરેશ પ્રજાપતિ, ડૉ. મયુરી અવચિતભાઈ ઉપાસે (એસ.આર- પલ્મોનરી મેડિસીન વિભાગ), અંગદાતાની પ્રાર્થનામાં જોડાયા હતા.
બ્રેઈનડેડ વિરસિંગભાઇના લીવર અને બન્ને કિડની IKDRC હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી. અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃત્તિ અભિયાન બનાવ્યું છે તેવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો. નવી સિવિલના ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!