આધુનિક યુગમાં પરંપરાની સુવાસ:
પૂના ગામના યુવકે ટ્રેક્ટર છોડી બળદ-હળ વડે ડાંગરની રોપણી માટે કાદવ તૈયાર કર્યો.
સુરત,અંબિકા:-આજના ડિજિટલ અને આધુનિક યુગમાં ખેતીવાડીનું પણ સંપૂર્ણ મશીનીકરણ થઈ ગયું છે.ચોમાસાની શરૂઆત થતાં જ ડાંગર (ડાંગરની ખેતી) માટે ખેતરો તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.સામાન્ય રીતે આજના યુવાનો ખેતરમાં કાદવ (ગારો) કરવા માટે ટ્રેક્ટર, રોટાવેટર કે પાવર ટીલર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ભૌતિકવાદી યુગમાં પૂના ગામના એક પ્રગતિશીલ યુવકે પરેશભાઈ દ્વારા પરંપરાગત ખેતી પદ્ધતિને જીવંત રાખીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.પુના ગામના આ ઉત્સાહી યુવા ખેડૂતે આધુનિક મશીનરીનો મોહ છોડીને પોતાના ખેતરમાં બળદની જોડી અને લાકડાના હળ સાથે ડાંગરની રોપણી માટેનો કાદવ પાડ્યો હતો. જ્યાં આજે ગામડાઓમાં બળદ અને હળ માત્ર જોવાલાયક વસ્તુ બની ગયા છે,ત્યાં આ યુવકે ધોધમાર વરસાદ વચ્ચે કાદવમાં જાતે હળ ચલાવીને અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે.
યુવક પરેશભાઈના જણાવ્યા અનુસાર “ટ્રેક્ટરથી કામ ઝડપી ચોક્કસ થાય છે,પરંતુ આપણા પરંપરાગત સાધનો અને બળદ આધારિત ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આજના યુવાનોને આપણી સંસ્કૃતિ અને જૂની ખેતી પદ્ધતિનું મહત્વ સમજાય તે માટે મેં આ પ્રયાસ કર્યો છે.ખેતરમાં બળદ વડે કાદવ પાડવા બાબતે ગામના વડીલ અને રાજકીય આગેવાન રાકેશભાઈ એ યુવાનના આ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે,આજની પેઢી જ્યારે શારીરિક શ્રમથી દૂર ભાગી રહી છે ત્યારે આ યુવકે હળ ચલાવીને સાબિત કર્યું છે કે આપણી જૂની પદ્ધતિઓ આજે પણ સર્વશ્રેષ્ઠ છે.
આજના સોશિયલ મીડિયા અને આધુનિકતાના દોડમાં પૂના ગામના આ યુવકની ખેતી પ્રત્યેની આ નિષ્ઠા અને પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા પામી રહ્યો છે.



