મહુવામાં પૂરમાં ફસાયેલા વૃદ્ધ માટે પોલીસ દેવદૂત બની: પૂરના ધસમસતા પાણી વચ્ચેથી વૃદ્ધનું દિલધડક રેસ્ક્યુ

સુરત, મહુવા:-સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહુવા તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મહુવા પોલીસનો એક માનવતાવાદી અને પ્રશંસનીય ચહેરો સામે આવ્યો છે. મહુવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોદાદા ગામે પૂરના પાણીમાં ફસાયેલા એક અસહાય વૃદ્ધને પોલીસે ત્વરિત કામગીરી કરી મોતના મુખમાંથી સહીસલામત બહાર કાઢી નવું જીવન આપ્યું છે.
મળતી માહિતી મુજબ,કોદાદા ગામના સ્મશાન ગૃહ પાસે ચારેય બાજુ અતિશય પાણી ભરાઈ જવાને કારણે એક વૃદ્ધ ત્યાં ફસાઈ ગયા હતા.પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી વૃદ્ધનો જીવ જોખમમાં મૂકાયો હતો.આ ઘટનાની જાણકારી મહુવા પોલીસ સ્ટેશનને મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.જાનમાલના નુકસાનને રોકવા માટે મહુવા પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને પોલીસે ભારે જહેમત અને કુનેહપૂર્વક ધસમસતા પાણીની વચ્ચે જઈને વૃદ્ધનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. વૃદ્ધને સહીસલામત બહાર કાઢ્યા બાદ પોલીસે માનવતા દાખવી તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડી તેમના પરિવારજનોને સોંપ્યા હતા.
ભારે સંકટના સમયે પોતાના વડીલને હેમખેમ પાછા મેળવતા જ પરિવારજનોએ ભારે હૈયે મહુવા પોલીસનો આભાર માન્યો હતો. પૂરની આ આપત્તિજનક સ્થિતિમાં પોતાની ફરજની સાથે માનવતા મહેકાવનારી મહુવા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.



