શાળા પ્રવેશોત્સવ-પ્રગતિનો ઉત્સવ-૨૦૨૬: સુરત જિલ્લો
સુરતના મહુવા તાલુકાની શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીના હસ્તે બાળકોને મીઠો આવકાર

રાજ્યભરમાં ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ના શુભારંભ અંતર્ગત સુરતના મહુવા તાલુકાની શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સમીર મોદીના હસ્તે શાળાના દ્રિતીય દિવસે બાળકોને ઉત્સાહભેર મીઠો આવકાર અપાયો હતો. બાળકોનું કુમકુમ તિલક અને મોં મીઠું કરી નામાંકન કરાયું હતું.
પ્રમુખશ્રીએ મહુવા તાલુકાની ફૂલવાડી પ્રાથમિક શાળા, બીલખડી હાઈસ્કૂલ અને ખરવાણની વિનય નિકેતન ઉ.બુ. વિદ્યાલય ખાતે આંગણવાડીમાં એક બાળક, બાલવાટિકામાં ૧૦ અનેધો. ૯માં ૩૯ તેમજ ધો. ૧૧માં ૪૧ બાળકોને દફતર, મિઠાઈ અને પુસ્તકોના વિતરણ સાથે આર્શીવચન અને શુભકામનાઓ પાઠવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી તથા બાળકો સાથે મળીને સૌએ રોડ સલામતી પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે ક, રાજ્યભરના ગામડાઓથી શહેરો સુધી શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અભિયાન શરૂ કરાયું છે. જે હેઠળ બાળકોની સાથે વાલીઓમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી બાળકોમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ અને ઉચ્ચ અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે મહુવા તા. પં. પ્રમખ દેવેન્દ્રભાઈ પટેલ, તા. પં. સભ્ય શ્રીમતી કલ્પનાબેન, જિલ્લા પં. સદસ્ય શ્રીમતી હીનાબેન પટેલ, મહુવા તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ફૂલવાડી સરપંચ શ્રીમતી સંગીતાબેન, દાતાશ્રી વિનયકાંતભાઈ ધુલિયા, ભગુભાઈ ગરાસિયા, બીલખડી હાઈસ્કૂલના પ્રમુખ દિલીપ ભાઈ અને લાઈઝન અધિકારી તરીકે ધર્મેશભાઈ પટેલ, મિનેષ ભાઈ તથા શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો, બાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




