અસહ્ય ગરમીમાં કામ કરતા 20 શ્રમિક યુવકનું હાર્ટ એટકે થી મોત
મહુવા તાલુકાના કાની ગામે આવેલા શેરડીના ખેતરમાંથી એક 20 વર્ષીય યુવકની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાની ગામના ખેતરાડી વિસ્તારમાં આવેલા અરવિંદ છીબા મિસ્ત્રીના શેરડીના ખેતરમાંથી મોડી સાંજના સમયે એક યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ આકાશ બાબુ હળપતિ (ઉંમર વર્ષ-20, રહે. પોપટ ફળીયા, કાની, મહુવા) તરીકે થઈ હતી. તે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ આપેલી જાણવાજોગ ફરિયાદના આધારે મહુવા પીએસઆઈ ડી. ઝેડ. રાઠવાએ લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અસહ્ય ગરમીમાં ભૂખ્યો-તરસ્યો કામ કર્યા બાદ ખેતરમાં છાંયડામાં બેઠેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે.





