મહુવા-અંબિકા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ: ઘરોના પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી; ખેતીને ભારે ફટકો

દક્ષિણ ગુજરાતમાં અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે મહુવા અને અંબિકા તાલુકામાં વાવાઝોડા સાથે પડેલા વરસાદે જનજીવન અને ખેતી બંનેને અસર કરી છે. અનેક વિસ્તારોમાં તેજ પવનના કારણે વૃક્ષો તૂટી પડવાના બનાવો નોંધાયા હતા, જ્યારે કેટલાક ગામોમાં રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે.
અંબિકા તાલુકાના ઉમરા ગામમાં વાવાઝોડાના જોરદાર પવનથી અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા. બીજી તરફ વલવાડા હાઈસ્કૂલમાં બનાવવામાં આવેલ પતરાનો શેડ તૂટી પડતા શાળાની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
વાવાઝોડા સાથે આવેલા વરસાદથી ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને ઉનાળુ પાક અને બાગાયતી ખેતીને ફટકો પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

કેરીના પાક પર બેવડો માર
હજુ અનેક આંબાવાડીમાં કેરી ઉતારવાની કામગીરી બાકી હતી ત્યારે આવેલા વાવાઝોડાએ કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જોરદાર પવનના કારણે મોટી સંખ્યામાં કેરી જમીન પર ખરી પડી હતી. બીજી તરફ બજારમાં અચાનક કેરીની આવક વધતા ભાવોમાં પણ ઘટાડો નોંધાયો છે. પરિણામે ખેડૂતોને ઉત્પાદન અને ભાવ બંને મોરચે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ
અંબિકાના ઉમરા વલવાડા સહિતના ગામોમાં ઘરના પતરા ઉડતા જ ગ્રામપંચાયતને જાણ કરવામાં આવતા નુકશાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તે બાબતે અસરગ્રસ્તો ને સહાયની કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવી છે.





