વાંસકુઈ ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ત્રાટક્યા
વાંસકુઈ ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ત્રાટક્યા, ₹૧૬,૮૦૦ની મત્તાના દાગીનાની ચોરી

સુરત,મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી ચેતનાબેન મેહુલભાઈ પટેલ (રહે. પાંડવ ફળીયા, ડોલવણ, જિ. તાપી) ના મમ્મી દક્ષાબેનનું મકાન મહુવા તાલુકાના વાંસકુઈ ગામના નેવાણીયા ફળીયા ખાતે આવેલું છે. તારીખ ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે ૫:૩૦ થી તારીખ ૧૫/૦૩/૨૦૨૬ ના
સવારના ૮:૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન મકાન બંધ હતું. આ તકનો લાભ લઈ કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરના રૂમમાં રાખેલા પતરાના કબાટમાંથી આશરે ૧૨૦ ગ્રામ વજનની બે જોડી ચાંદીના સાંકળા (કિંમત અંદાજે
₹૧૦,૫૦૦/-) અને આશરે ૪૦ ગ્રામ વજનના હાથમાં પહેરવાના ચાંદીના બે નંગ લુઝ (કિંમત અંદાજે ₹૬,૩૦૦/-) મળી કુલ ₹૧૬,૮૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
આ બનાવ અંગે ચેતનાબેને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





