Traffic Tail

શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો: શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત પાયાવિહોણી

SHARE:

શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો: શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત પાયાવિહોણી

રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના તા. ૦૭/૧૧/૨૦૨૫ના Suo Moto Writ Petition (CIVIL) No: 5/2025 આદેશ મુજબ, તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

જેથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના તા. ૦૩/૦૨/૨૦૨૬ના પત્રથી સુપ્રિમ કોર્ટના આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાના હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેશન અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૨/૨૦૨૬ના પત્ર મુજબ કમિશનર શાળાઓની કચેરીના તાબા હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં આદેશ મુજબની કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો કે અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આમ, રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગને આ બાબતે સૂચના મળતા, અત્રેની કચેરીએ જાહેરહિતમાં જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે. ઉક્ત તમામ બાબતો ધ્યાને લેતા ગુજરાત રાજ્યના જુદા જુદા વર્તમાનપત્રોની આવૃતિમાં આ અંગે પ્રસિધ્ધ થયેલ સમાચાર સત્યથી વેગળા છે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!