Traffic Tail

વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે CISF દ્વારા આયોજિત ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન-૨૦૨૬’નું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયુઃ

SHARE:

સુરક્ષિત તટમ્, સમૃદ્ધ ભારતમ્:

વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે CISF દ્વારા આયોજિત ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન-૨૦૨૬’નું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયુઃ

સી.આઈ.એસ.એફ.ના જવાનો દેશની સુરક્ષાના ખરા પ્રહરી
 એરપોર્ટ પર ફરજ બજાવતા જવાનો માટે સંબંધો કે મિત્રતા કરતા દેશની સુરક્ષા સર્વોપરી
: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

૬૫ મહિલા જવાનો સહિત ૧૩૦ CISF જવાનો દરિયાઈ સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે

૧૩૦ સમર્પિત CISF જવાનો ૨૫ દિવસની યાત્રામાં જોડાય દરિયાઈ કિનારાની સુરક્ષાને મજબૂત બનાવવાનો સંદેશો આપી રહ્યા છેઃ

સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશ પ્રસારિત કરતી ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન’ ઐતિહાસિક યાત્રાઃ

ગુજરાતના કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને કોચીન પહોંચશે.

૯મી ફ્રેબ્રુઆરીએ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલૌત વેસુથી દમણ કિલ્લા તરફ સાયક્લોથોનની આગળની યાત્રા પ્રસ્થાન કરાવશે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ-CISF) દ્વારા વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન-૨૦૨૬’નું વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ૬૫ મહિલા જવાનો સહિત ૧૩૦ CISF જવાનો દરિયાઈ સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે.
સી.આઈ.એસ.એફ.ના જવાનો દેશની સુરક્ષાના ખરા પ્રહરી છે, એમ જણાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સી.આઈ.એસ.એફ.ના જવાનોની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણને બિરદાવ્યું હતું. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૫૦ ટકાથી પણ વધુ મહિલા કર્મીઓ જોડાઈ છે. આ બાબતને નારી શક્તિના સશક્તિકરણના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે, જે ગ્રામીણ વિસ્તારોની દીકરીઓમાં નવો આત્મવિશ્વાસ અને પ્રેરણા જગાડી રહી છે.
વધુમાં શ્રી સંઘવી એ કહ્યું હતું કે, સી.આઈ.એસ.એફ. માત્ર ઔદ્યોગિક એકમો પૂરતું સીમિત નથી, પરંતુ દેશના ૭૦થી વધુ મહત્વપૂર્ણ એરપોર્ટ, બંદરો અને નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષામાં પાયાની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, સંસદ ભવનની સુરક્ષા અને SPG જેવી મહત્વની જવાબદારીઓમાં પણ આ ફોર્સનું યોગદાન અતુલ્ય છે.
CISFની શિસ્ત અને પ્રમાણિકતાની પ્રશંસા કરતા જણાવાયું હતું કે, એરપોર્ટ પર ફરજ બજાવતા જવાનો માટે સંબંધો કે મિત્રતા કરતા દેશની સુરક્ષા સર્વોપરી હોય છે. ભલે કોઈ સગા-સંબંધી હોય, પરંતુ ફરજ પરનો જવાન પૂરી તપાસ બાદ જ પ્રવેશ આપે છે, જે તેમની વ્યાવસાયિકતા દર્શાવે છે. પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને CISF ના જવાનો હોળી, દિવાળી કે અન્ય તહેવારોમાં પણ રજા લીધા વગર મેટ્રો, એરપોર્ટ અને બંદરો પર ૨૪ કલાક ફરજ બજાવે છે. આ જવાનોની મહેનત અને ત્યાગને કારણે જ દેશના નાગરિકો સુરક્ષિત અનુભવે છે.
સાયકલ યાત્રા દરમિયાન જવાનો ગામડે-ગામડે જઈને સ્વચ્છતા અભિયાનમાં મદદ કરી રહ્યા છે અને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ યાત્રા દ્વારા યુવાનો અને દીકરીઓને સુરક્ષા દળોમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેનો વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે એમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.
આ અભિયાનમાં ૧૩૦ સમર્પિત CISF જવાનો જોડાયા છે, જેમાં ૬૫ મહિલા જવાનોની સક્રિય ભાગીદારી નારી શક્તિ અને સશક્તિકરણનો મજબૂત સંદેશ આપી રહી છે. આ યાત્રા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
૧૧ રાજ્યોને આવરી લેતી ગુજરાતના કચ્છના લખપતથી પશ્ચિમ બંગાળના બકખલી બન્ને સ્થળોએથી શરૂ થયેલી ૨૫ દિવસીય ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’ દેશના ૬,૫૫૩ કિમી લાંબા દરિયાકાંઠાને આવરી લેશે, જેનો મુખ્ય હેતુ ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ થીમ હેઠળ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો છે. પશ્ચિમ-દક્ષિણની આ યાત્રા કચ્છના લખપતથી કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને ૨૨મી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કેરળના કોચીન ખાતે સમાપ્ત થશે.
આ ઐતિહાસિક સાયક્લોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષામાં જાગૃતિ લાવવાનો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન ‘સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત’ થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશો પ્રસારિત કરવાનો છે.

‘વંદે માતરમ્ તટીય સાયકલોથોન’ ના સહભાગીઓના સ્વાગતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. હાજર સૌએ CISFની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુ. કમિશનર એમ. નાગરાજન, જે.સી.પી. ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ, સુરત એરપોર્ટના CISF કમાન્ડન્ટ કુમાર અભિષેક, NTPC ક્વાસના ડે.કમાન્ટન્ટ સુરેન્દ્ર સોનકરિયા, ONGC હજીરા ડે. કમાન્ડન્ટ મનીષ કુમાર, ONGC હજીરા ડે. કમાન્ડન્ટ જ્ઞાનસિંગ, CISFના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!