Traffic Tail

સુરત શહેર અને પલસાણા તાલુકાના નાગરિકોને જળસંચય અને જળસંરક્ષણના કાર્યમાં જનભાગીદારીથી જોડાવાની સુવર્ણ તક

SHARE:

સુરત શહેર અને પલસાણા તાલુકાના નાગરિકોને જળસંચય અને જળસંરક્ષણના કાર્યમાં જનભાગીદારીથી જોડાવાની સુવર્ણ તક

રાજ્ય સરકારની ‘ભૂગર્ભજળ રિચાર્જ યોજના’ હેઠળ બંધ બોરવેલ/ટ્યુબવેલ/કૂવાઓમાં વરસાદી પાણી ઉતારી પુન:જીવંત કરવાના જનહિતકાર્યમાં જાગૃત્ત નાગરિકો અરજી કરી શકશે

યોજનાનો લાભ લેવા ઇચ્છુકોએ તા.૦૯ થી ૨૪ ફેબ્રુ. ઓનલાઇન અરજી કરવી

રાજ્યમાં સતત ઘટતા જતા ભૂગર્ભજળના સ્તરને અટકાવવા અને વરસાદી પાણીનો અસરકારક ઉપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારી આધારિત બંધ બોરવેલ/ટ્યુબવેલ/કૂવાઓ રિચાર્જ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં સુરત શહેર વિસ્તાર અને પલસાણા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આ સબંધિત વિસ્તારના નાગરિકો યોજનાનો લાભ મેળવી શકશે.
લોકભાગીદારી થકી વ્યાપક પ્રમાણમાં જનજાગૃતિ લાવી લાંબા સમયથી બંધ બોરવેલ, ટ્યુબવેલ અને કૂવાઓનો ભૂગર્ભજળ રિચાર્જ માટે ઉપયોગ કરાતાં ઓછા ખર્ચે પાણીનું સ્તર ઉંચું લાવી શકાશે.
આ યોજના હેઠળ કુલ ખર્ચમાં ૯૦ ટકા રાજ્ય સરકાર અને ૧૦ ટકા રકમ લાભાર્થી દ્વારા ભરવાની રહેશે. એક કામ માટે મહત્તમ રૂ.૧.૬૬ લાખની મર્યાદા હોય, રૂ.૧.૪૯ લાખ સરકાર દ્વારા જ્યારે રૂ.૧૬,૬૦૦ લાભાર્થીએ આપવાના રહશે. તેમજ સરકાર દ્વારા નિયુક્ત ઇજારદાર મારફતે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત અરજીઓની ચકાસણી બાદ તાલુકાવાર નિયત સંખ્યાને આધારે ઓનલાઈન ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગીથી લઈને અંતિમ મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે. ડ્રો અંગે અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ વેબસાઈટ પર પણ માહિતી ઉપલબ્ધ રહેશે.
આ યોજનામાં લાભાર્થીના હયાત બંધ બોરવેલ/ટ્યુબવેલ/કૂવાઓ પાસે ૪મી. x ૪મી.ની ફિલ્ટરેશન ચેમ્બર અને ૨.૫ મીટર લંબાઈની સીલ્ટેશન ચેમ્બર બનાવવામાં આવશે. આ માટે અંદાજે ૧૦મી. x ૫મી. જેટલી જગ્યાની જરૂરિયાત રહેશે. જેથી વરસાદી પાણી શુદ્ધ થઈ જમીનમાં ઉતારી શકાય.
જો કામગીરી નિયત જથ્થા કરતાં ઓછી થાય તો કામની ગુણવત્તા અને કાર્યક્ષમતાના આધારે સપ્રમાણ સરકારી ફાળો ચૂકવવામાં આવશે. અને વધારાના લોકફાળાની રકમ પરત કરવામાં આવશે. જો કામગીરી વધુ થાય તો વધારાની રકમ લાભાર્થીએ સંબંધિત એજન્સી સાથે પરસ્પર સમજુતિથી ચૂકવવાની રહેશે અને સરકાર તરફથી કોઈ વધારું ચૂકવણું કરવામાં આવશે નહીં.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ તા. ૦૯ થી ૨૪ ફેબ્રુઆરી સુધી https://borewell-recharge.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે એમ સુરત જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!