અંબિકા તાલુકામાં દીપડો,દીપડી પાંજરે કેદ લોકોની ભીડ ઉમટી જોવા…..
સુરત,મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના વહેવલ ગામે આશ્રમ ફળિયામાં તેમજ કાંકરિયા ગામે ઝાડી ફળિયામાં છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાવાની તેમજ રહેણાંક વિસ્તારમાંથી મરઘાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.ખેતરમાં દીપડો બિન્દાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા.જે ઘટના અંગે બંને ગામના ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગને જાણ કરી પાંજરું મુકવા રજુઆત કરી હતી.જે રજુઆત આધારે મહુવા વનવિભાગ દ્વારા ત્વરિત વહેવલ ગામે આશ્રમ ફળિયામાં વિક્રમભાઈ કોળઘાના ઘર નજીક અને કાંકરિયા ગામે ઝાડી ફળિયામાં પાંજરું મુકી મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી.
રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં કાંકરિયા ગામે કદાવર દીપડી પાંજરા નજીક આવી અંદર મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાય ગઈ હતી.જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઈ ગઈ હતી.જ્યારે બીજા બનાવમાં વહેવલ ગામે મુકેલ પાંજરામાં અઢી વર્ષનો કદાવર દીપડો મારણ ખાવા જતા ઝડપાઈ ગયો
હતો.પાંજરે પુરાયેલ દીપડાની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડા પાંજરે પુરાતા જ બંને ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.અને ત્યારબાદ ત્વરિત વનવિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી બંને ગામમાં પાંજરે પુરાયેલ દીપડી અને દીપડાનો કબ્જો લઈ ઉપલા અધિકારીની સૂચના આધારે દૂર જંગલમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરી હતી.




